પશ્ચિમ બંગાળની રાજનીતિમાં 2026ની વિધાનસભા ચૂંટણી બાદ એક મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. ભાજપે 207 બેઠકો સાથે ઐતિહાસિક જીત મેળવીને મમતા બેનરજીના 15 વર્ષના શાસનનો અંત લાવ્યો છે. સત્તા ગુમાવ્યા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસમાં આંતરિક હલચલ પણ તેજ બની ગઈ છે. મમતા બેનરજીના સૌથી નજીકના અને વિશ્વાસુ માનાતા અધિકારીઓ, સલાહકારો અને કાયદાકીય ટીમના સભ્યો એક પછી એક રાજીનામા આપી રહ્યા છે. જેના કારણે બંગાળની રાજનીતિમાં નવા સમીકરણો સર્જાતા જોવા મળી રહ્યા છે. મમતા બેનરજી માટે સૌથી મોટો ઝટકો તેમના વિશ્વાસુ પૂર્વ મુખ્ય સચિવ અલાપન બંદ્યોપાધ્યાયના રાજીનામાથી લાગ્યો છે. વર્ષ 2021માં કેન્દ્ર સરકાર સાથેના વિવાદ દરમિયાન મમતા બેનરજીએ અલાપનને બચાવવા માટે ખુદ વડાપ્રધાન મોદી સામે પણ મોરચો ખોલ્યો હતો. તે સમયે અલાપન બંદ્યોપાધ્યાયને મમતાના સૌથી વિશ્વાસુ અધિકારી માનવામાં આવતા હતા. પરંતુ હવે ચૂંટણીમાં હાર બાદ તેમણે પોતાના હોદ્દા પરથી પદત્યાગ કરી દીધો છે.
અલાપન બાદ પૂર્વ મુખ્ય સચિવ એચ.કે. દ્વિવેદીએ પણ રાજીનામું આપી દીધું છે. રાજ્યના વહીવટી તંત્રમાં આ બંને અધિકારીઓને મમતાના સૌથી મજબૂત આધારસ્તંભ માનવામાં આવતા હતા. તેઓ સરકારના મોટા નિર્ણયો અને નીતિઓમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. તેમના બહાર નીકળવાથી તૃણમૂલ કોંગ્રેસની અંદર અસુરક્ષાનો માહોલ ઊભો થયો છે. માત્ર વહીવટી અધિકારીઓ જ નહીં, પરંતુ અર્થશાસ્ત્રી અને નીતિ સલાહકારો પણ હવે મમતાથી અંતર બનાવી રહ્યા છે. પશ્ચિમ બંગાળ ઔદ્યોગિક વિકાસ નિગમ (WBIDC)ના અધ્યક્ષ અને જાણીતા અર્થશાસ્ત્રી અભિરૂપ સરકારે પણ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જ્યારે મુખ્યમંત્રી જ ચૂંટણી હારી ગયા હોય ત્યારે તેઓ નૈતિક રીતે આ પદ પર રહી શકે નહીં.
કાયદાકીય મોરચે પણ મમતાને મોટો આંચકો લાગ્યો છે. રાજ્યના એડવોકેટ જનરલ કિશોર દત્તાએ પણ પોતાનું પદ છોડી દીધું છે. મમતા સરકારને કોર્ટમાં બચાવવાની સૌથી મોટી જવાબદારી તેમના ખભા પર હતી. અનેક સંવેદનશીલ કેસોમાં તેઓ સરકારનો મજબૂત બચાવ કરતા હતા. તેમના રાજીનામા બાદ હવે તૃણમૂલ કોંગ્રેસની કાયદાકીય સ્થિતિ પણ નબળી બનતી દેખાઈ રહી છે. આ ઉપરાંત મમતા બેનરજી માટે મીડિયા અને સોશિયલ મીડિયા પર મજબૂત નેરેટિવ તૈયાર કરનારા સલાહકારો પણ હવે ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે મમતાની કોર ટીમ હવે લગભગ તૂટી ગઈ છે. રાજ્યના સચિવાલય નબન્નામાં પણ સન્નાટો જોવા મળી રહ્યો છે. અનેક IAS અને IPS અધિકારીઓ હવે નવી ભાજપ સરકાર સાથે તાલમેલ બેસાડવા માટે પ્રયાસો શરૂ કરી ચૂક્યા હોવાની ચર્ચા છે.
બીજી તરફ, મમતા બેનરજી હજુ પણ લડાયક અંદાજમાં જોવા મળી રહ્યા છે. તેમણે ચૂંટણી પરિણામોને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે અને ગેરરીતિના આક્ષેપો પણ લગાવ્યા છે. મમતાનું કહેવું છે કે આ હાર માત્ર રાજકીય નથી પરંતુ લોકશાહી માટે પણ ચિંતાજનક છે. જોકે પાર્ટીના અંદરના લોકો હવે ભવિષ્યને લઈને ચિંતિત બન્યા છે. ભાજપની જીત બાદ હવે બંગાળમાં નવા રાજકીય યુગની શરૂઆત થઈ રહી હોવાનું માનવામાં આવે છે. ભાજપ હવે સરકાર રચવાની તૈયારીઓમાં લાગી ગયું છે અને ટૂંક સમયમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. મમતા બેનરજી માટે સૌથી મોટો પડકાર હવે પોતાની પાર્ટીને એકજૂટ રાખવાનો રહેશે.