National

હારવા છતાં હઠ પર ઉતર્યા મમતા બેનર્જી, અમે ચૂંટણી હાર્યા જ નથી તો રાજીનામું શાને આપું?

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તૃણમૂલ કોંગ્રેસની નેતા મમતા બેનર્જીએ પોતાની હાર સ્વીકારવા બદલે ગંભીર આરોપો લગાવ્યા છે. મમતાનું કહેવું છે કે તેમની પાર્ટી ખરેખર હારી નથી, પરંતુ ઘણા મતવિસ્તારોમાં મતદાન પ્રક્રિયામાં ગડબડ થઈ છે. મમતાએ દાવો કર્યો કે લગભગ 100 જેટલા મતવિસ્તારોમાં મત લૂંટાયા છે. તેમના મુજબ આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નહોતી, પરંતુ તેમાં ચૂંટણી પંચનું વર્તન પણ પક્ષપાતી રહ્યું છે. તેમણે કહ્યું કે આ સમગ્ર પ્રક્રિયામાં લોકશાહીને નુકસાન થયું છે. મમતા બેનર્જીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ રાજીનામું આપવા લોકભવન નહીં જાય. તેમણે કહ્યું, “અમે હાર્યા જ નથી, તો હું રાજીનામું કેમ આપું?” તેમના આ નિવેદનથી રાજકીય વાતાવરણ વધુ ગરમાઈ ગયું છે.

મમતાએ ચૂંટણી પ્રક્રિયા અંગે પણ ઘણા સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા બાદ EVM મશીનો અંગે શંકા ઉભી થઈ. સાથે જ, તેમના કાર્યકરોને નિશાન બનાવવામાં આવ્યા, અટકાયત કરવામાં આવી અને કેટલાક અધિકારીઓના ટ્રાન્સફર પણ કરવામાં આવ્યા. તેમના મુજબ, આ બધું એક સુનિયોજિત રણનીતિનો ભાગ હતો. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે સત્તાધારી પક્ષે પોતાના અનુકૂળ અધિકારીઓને તૈનાત કર્યા હતા, જેના કારણે ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નો ઊભા થયા છે. મમતાના આક્ષેપો રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચાનો વિષય બન્યા છે. ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ (INDIA) ગઠબંધન અંગે વાત કરતાં મમતાએ જણાવ્યું કે ઘણા મોટા નેતાઓએ તેમની સાથે વાત કરી છે અને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, ઉદ્ધવ ઠાકરે અને હેમંત સોરેન જેવા નેતાઓએ તેમની સાથે સંપર્ક કર્યો છે. ઉપરાંત, અખિલેશ યાદવ પણ તેમની સાથે મુલાકાત કરવા આવવાના છે.

મમતાએ પોતાના સાથે થયેલા વર્તન અંગે પણ નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે મતદાન દરમિયાન તેમને બુથ પરથી ધક્કા મારીને બહાર કાઢવામાં આવ્યા હતા. “હું એક મહિલા છું, અને મારી સાથે આવું વર્તન થાય છે તો સામાન્ય લોકો સાથે શું થતું હશે?” એમ કહી તેમણે ચિંતા વ્યક્ત કરી. તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ આ મુદ્દે ચુપ નહીં બેસે અને પોતાની લડાઈ ચાલુ રાખશે. “હું રસ્તા પર હતી અને રસ્તા પર જ રહીશ,” એમ કહી તેમણે સંકેત આપ્યો કે તેઓ આ મુદ્દે જનઆંદોલનનો રસ્તો અપનાવી શકે છે. મમતાનું આ નિવેદન સ્પષ્ટ કરે છે કે તેઓ આ ચૂંટણી પરિણામોને પડકારવા તૈયાર છે અને રાજકીય લડાઈ આગળ પણ ચાલુ રહેશે. બીજી તરફ, ભાજપે આક્ષેપોને નકારી કાઢ્યા છે અને ચૂંટણીને પારદર્શક ગણાવી છે. બંગાળની રાજનીતિમાં હજી તણાવ યથાવત છે. ચૂંટણી પરિણામો આવ્યા હોવા છતાં વિવાદો અટક્યા નથી અને આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બની શકે છે. મમતા બેનર્જીએ હાર સ્વીકારવાની જગ્યાએ ચૂંટણી પ્રક્રિયા પર સવાલો ઊભા કર્યા છે અને રાજીનામું આપવા ઈન્કાર કર્યો છે, જેના કારણે રાજકીય સંઘર્ષ હવે વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

Most Popular

To Top