National

બિહારની હોસ્પિટલમાં ભીષણ આગ, ધુમાડાના કારણે દર્દીઓની હાલત બગડી, 5 દર્દીઓના મોત, 20થી વધુને બચાવાયા

આજે ગુરુવારે વહેલી સવારે બિહારના મુઝફ્ફરપુર શહેરમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. બ્રહ્મપુરા વિસ્તારમાં આવેલી પ્રસાદ હોસ્પિટલમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલના પાંચમા માળે આવેલા ICU વોર્ડમાં લાગેલી આગ થોડા જ સમયમાં વિકરાળ બની ગઈ હતી અને સમગ્ર ઈમારત ધુમાડાથી છવાઈ ગઈ હતી. ઘટનામાં અત્યાર સુધી પાંચ દર્દીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર આગ વહેલી સવારે લગભગ 3 વાગ્યે લાગી હતી. જ્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ICU વોર્ડ સંપૂર્ણપણે ધુમાડાથી ભરાઈ ગયો હતો. ગાઢ ધુમાડાના કારણે દર્દીઓને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓ તેમ જ તેમના પરિવારજનોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

મૃતકોમાં શશાંક કુમાર, ગીતા દેવી, ઉદય કુમાર, કૃષ્ણ નંદન અને ચંચલા કુમારીનો સમાવેશ થાય છે. ઉદય કુમાર શિવહર જિલ્લાના રહેવાસી હતા અને મગજની સર્જરી બાદ છેલ્લા ચાર દિવસથી ICUમાં સારવાર હેઠળ હતા. ઘટનાના સમયે તેમના પરિવારના સભ્યો પણ હોસ્પિટલમાં હાજર હતા. આગની જાણ થતાં તેઓ ICU તરફ દોડ્યા, પરંતુ ત્યાં સુધીમાં ઉદય કુમારનું મોત થઈ ચૂક્યું હતું. મોતીપુરની રહેવાસી ગીતા દેવીને 1 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેઓ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાતા હતા અને ડાયાલિસિસની સારવાર લઈ રહ્યા હતા. કૃષ્ણ નંદન પણ ઘણા દિવસોથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમના ફેફસામાં પ્રવાહી ભરાઈ જવાની સમસ્યા હતી અને 22 મેથી તેઓ હોસ્પિટલમાં દાખલ હતા.

ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની લગભગ એક ડઝન ગાડીઓ હોસ્પિટલ ખાતે પહોંચી હતી. ફાયર ફાઇટરોએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. અનેક દર્દીઓ ICU અને અન્ય વોર્ડમાં ફસાયેલા હોવાથી તેમને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી. ધુમાડો એટલો વધુ હતો કે બચાવ ટીમોને બારીઓ અને દરવાજા તોડીને અંદર પ્રવેશ કરવો પડ્યો હતો. ઘણા દર્દીઓને ગંભીર હાલતમાં બહાર કાઢીને નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રશાસનના જણાવ્યા અનુસાર 20થી વધુ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, જોકે ઘણા લોકોની સ્થિતિ હજુ પણ ગંભીર હોવાનું કહેવાય છે. ઘટનાના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ઘટનાના ચોક્કસ કારણની તપાસ માટે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. વહીવટીતંત્રે હોસ્પિટલનો કબજો સંભાળી પુરાવા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. ઘટના બાદ મૃતકો અને ઘાયલોના પરિવારજનોએ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કેટલાક પરિવારજનોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ હોસ્પિટલના કેટલાક કર્મચારીઓ અને સ્ટાફે દર્દીઓને મદદ કરવાને બદલે પોતાની સુરક્ષા પર વધુ ધ્યાન આપ્યું હતું. જેના કારણે ઘણા દર્દીઓને સમયસર મદદ મળી શકી નહોતી. એક સંબંધીએ આરોપ લગાવ્યો કે તેમના પિતાને ICUમાંથી બહાર કાઢવામાં ઘણો સમય લાગ્યો હતો. તેમણે જણાવ્યું કે હોસ્પિટલ તરફથી કોઈ યોગ્ય માર્ગદર્શન કે મદદ આપવામાં આવી નહોતી. કેટલાક પરિવારજનોએ મૃતકોના મૃતદેહ અંગે માહિતી આપવામાં પણ હોસ્પિટલ વહીવટીતંત્રે સહકાર ન આપ્યાનો આક્ષેપ કર્યો હતો.

જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રત કુમાર સેને જણાવ્યું હતું કે 13 બેડની ક્ષમતા ધરાવતા ICUમાં 15 દર્દીઓ દાખલ હતા. તેમણે એ પણ જણાવ્યું કે ICUના ઇન્ચાર્જ ડોક્ટર પણ આગમાં દાઝી ગયા હતા અને તેમને અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં એક વૃદ્ધ મહિલાની બહાદુરી પણ સામે આવી છે. લો બ્લડ પ્રેશરની સારવાર માટે ICUમાં દાખલ આ મહિલાએ આગની જાણ થતાં પોતાનો જીવ બચાવવાની સાથે હોસ્પિટલના ગાર્ડને પણ એલર્ટ કર્યો હતો, જેના કારણે બચાવ કામગીરી ઝડપથી શરૂ થઈ શકી હતી. પરિવારજનોએ જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂઆત કરતાં હોસ્પિટલની ફાયર સેફ્ટી વ્યવસ્થા પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમનું કહેવું હતું કે ફાયર કંટ્રોલ સિસ્ટમ યોગ્ય રીતે કામ કરતી નહોતી અને બચાવ માટેની સીડીનો દરવાજો પણ બંધ હતો, જેના કારણે લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી હતી. આ દુર્ઘટનાએ ફરી એકવાર હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. હવે સમગ્ર રાજ્યની નજર તપાસના પરિણામો અને જવાબદારો સામે થનારી કાર્યવાહી પર ટકેલી છે.

Most Popular

To Top