અજાણ્યા વાહનની ટક્કરથી મહિન્દ્રા એસયુવીને ભારે નુકસાન, બાળકી ગંભીર ઈજાગ્રસ્ત
થોડા દિવસમાં જ હાઈવે પર બીજા અકસ્માત બાદ ફરી દુર્ઘટના, સુરક્ષા મુદ્દે ચિંતા વધી
કાલોલ, તા. 05/05/2026
દિલ્હી–મુંબઈ હાઈવે પર ભાટપુરા નજીક બનેલા ગંભીર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજતા શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ સારવાર હેઠળ છે.
મળતી માહિતી મુજબ, ખાનપુર તાલુકાના મુડાવડેખ ગામે જઈ રહેલા સુરત નિવાસી હેમંતકુમાર નટવરલાલ પંડ્યા પોતાના પરિવાર સાથે મહિન્દ્રા એસયુવી કારમાં મુસાફરી કરી રહ્યા હતા. ગોધરા નજીક મહેલોલ પાસે ભાટપુરા વિસ્તારમાં એક અજાણ્યા વાહનચાલકે ગફલતભરી રીતે વાહન હંકારી કારને જોરદાર ટક્કર મારી હતી.
આ અકસ્માતમાં હેમંતકુમાર (44), કિંજલબેન (42) અને આયુષકુમાર (18)ને માથા અને ચહેરા પર ગંભીર ઈજાઓ થતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 8 વર્ષીય જેનીસાને ઈજાઓ થતા ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે.
ઘટનાને પગલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ આ હાઈવે પર બનેલી અન્ય દુર્ઘટનાઓને પગલે સુરક્ષા અંગે ચિંતાઓ વધતી જાય છે.