નાયબ મુખ્યમંત્રી અને ભાજપ પ્રદેશ પ્રમુખે પણ પુષ્પાંજલિ અર્પણ કરી
પરમ શિવભક્તના અંતિમ દર્શનમાં જનસૈલાબ ઉમટ્યો; પ્રજાના હૃદય પર રાજ કરનાર જનસેવકની વિદાયથી વાતાવરણ ગમગીન
વડોદરા: વડોદરાના વરિષ્ઠ રાજકીય નેતા અને માંજલપુર વિધાનસભા બેઠકના લોકપ્રિય ધારાસભ્ય યોગેશ પટેલ (બીપીનચંદ્ર પટેલ) ના નિધનથી સમગ્ર વડોદરા સહિત ગુજરાતભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આજે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવતા હજારોની સંખ્યામાં સમર્થકો, રાજકીય આગેવાનો અને સામાન્ય નાગરિકો ઉમટી પડ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વડોદરાના ‘યોગેશભાઈ’ ને છેલ્લી વિદાય આપતી વખતે ઉપસ્થિત અનેકની આંખો છલકાઈ ગઈ હતી અને વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.
સ્વ. યોગેશ પટેલના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રાજકીય પક્ષોના ભેદભાવ ભૂલીને તમામ પક્ષના નેતાઓ, વહીવટી તંત્રના અધિકારીઓ અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ પહોંચ્યા હતા. સૌ કોઈએ તેમના પવિત્ર અને લોકાભિમુખ જીવનને યાદ કરીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વર્ષો સુધી વડોદરાના જનમાનસ પર રાજ કરનાર જનસેવકની વિદાયથી વડોદરાએ એક સાચો અને હિંમતવાન નેતા ગુમાવ્યો હોવાનો સૂર વ્યક્ત થયો હતો.
ધારાસભ્ય યોગેશ પટેલના અંતિમ દર્શને પહોંચેલા ભાજપના નેતાઓએ ભારે હૈયે શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, “યોગેશભાઈ માત્ર એક રાજનેતા નહોતા, પરંતુ વડોદરાના વડીલ અને સાચા માર્ગદર્શક હતા. તેઓ પરમ શિવભક્ત હતા અને આજે આ શિવભક્ત શિવજીના ચરણોમાં લીન થઈ ગયા છે. વડોદરાના વિકાસમાં અને સંગઠનને મજબૂત કરવામાં તેમનું યોગદાન હંમેશાં અવિસ્મરણીય રહેશે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને આ અસાહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
અંતિમ યાત્રા અને દર્શન દરમિયાન હાજર રહેલા વડોદરાના સ્થાનિક નાગરિકોએ રડતી આંખે જણાવ્યું કે, યોગેશભાઈ હંમેશાં પ્રજાના પ્રશ્નો માટે અડીખમ ઊભા રહેતા હતા. સામાન્યમાં સામાન્ય માણસ પણ ગમે ત્યારે તેમનો સંપર્ક કરી શકતો હતો. તેમની સાદગી, પ્રજાપ્રિયતા અને વડોદરા પ્રત્યેની વફાદારીને કારણે જ તેઓ સતત બહુમતીથી ચૂંટાતા આવ્યા હતા. તેમની ખોટ ક્યારેય પુરી શકાય તેમ નથી.
વડોદરાના ‘અજેય યોદ્ધા’ અને ‘જનસેવક’નો અસ્ત
ધારાસભ્ય સ્વ. યોગેશ પટેલ વડોદરાના રાજકારણના એવા અજેય યોદ્ધા હતા જેમણે દાયકાઓ સુધી લોકોના દિલ પર રાજ કર્યું. સાદગી, સત્યપ્રિયતા અને નીડરતા એ તેમની ઓળખ હતી. પ્રજાના નાનામાં નાના કામ માટે પણ અધિકારીઓ સામે લડી લેવાની તેમની શૈલીને કારણે તેઓ જન-જનના લાડીલા બન્યા હતા. વડોદરાના ઇતિહાસમાં એક એવા લોકનેતા તરીકે તેમનું નામ સવર્ણાક્ષરે લખાશે, જેમણે સત્તાને ક્યારેય પોતાના પર હાવી થવા દીધી નહોતી અને હંમેશાં ‘પ્રજાના સેવક’ બનીને જ જીવ્યા. શિવભક્તિ અને લોકસેવાને વરેલા આ મહામાનવને વડોદરાની જનતા ક્યારેય ભૂલી શકશે નહીં.