Vadodara

એક ટ્રકે બાઇક સવાર યુવકને ટક્કર મારી, બીજી ટ્રક યુવકના શરીર પર ફરી વળી, બંને ટ્રક ચાલકો ફરાર

વડોદરામાં રક્તરંજીત હાઈવે, 12 કલાકમાં બીજો જીવલેણ અકસ્માત, ટ્રકે બાઈક સવાર યુવકને કચડ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.4
વડોદરામાં અકસ્માતોનો સિલસિલો થમવાનું નામ નથી લઈ રહ્યો. વડોદરા શહેરમાંથી પસાર થતો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 હવે વાહનચાલકો માટે કાળમુખો સાબિત થઈ રહ્યો છે. માત્ર 10 થી 12 કલાકના ટૂંકા ગાળામાં જ આ હાઈવે પર વધુ એક ગંભીર અકસ્માત સર્જાયો છે, જેમાં એક આશાસ્પદ યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. સતત વધી રહેલા અકસ્માતોને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મળતી માહિતી મુજબ, આ હૃદયદ્રાવક ઘટના હાઇવે નંબર 48 પર તરસાલી બાયપાસથી કપુરાઈ બ્રિજ તરફ જતા રોડ પર બની હતી. એક યુવક પોતાની મોટરસાયકલ લઈને આ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલી એક ટ્રકના ચાલકે બાઈક સવારને જોરદાર ટક્કર મારી હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત એટલો ભયાનક હતો કે ટક્કર વાગતાની સાથે જ યુવક હવામાં ફંગોળાઈને રોડ પર પટકાયો હતો. આ દરમિયાન પાછળ જ આવી રહેલી અન્ય એક બેફામ ટ્રકના ચાલકે રોડ પર પડેલા યુવક પર ટ્રકના વ્હીલ ફેરવી દીધા હતા. બે-બે ટ્રકની અડફેટમાં આવી જતાં બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કાળજું કંપાવી દે તેવું મોત નીપજ્યું હતું.

અકસ્માત સર્જનાર બંને ટ્રકના ચાલકો માનવતા નેવે મૂકીને પોતપોતાના વાહનો સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ જાણવા મળ્યું હતું કે મૃતક યુવકનું નામ સુભાષ હતું. અકસ્માતની આજુબાજુના લોકોએ આ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.

ઘટનાની ગંભીરતાને જોતા ‘જનરક્ષક 112’ પોલીસની ટીમ ગણતરીની મિનિટોમાં સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિક હળવો કરાવ્યો હતો. ત્યારબાદ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે મૃતક સુભાષના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોનો આરોપ છે કે હાઈવે પર ભારે વાહનોના ચાલકો બેફામ ગતિએ વાહનો હંકારે છે અને ટ્રાફિક નિયમોના લીરેલીરા ઉડે છે. તંત્ર દ્વારા સ્પીડ બ્રેકર, સાઈન બોર્ડ કે યોગ્ય પેટ્રોલિંગ ન કરાતું હોવાને કારણે નિર્દોષ નાગરિકો ના બલિ ચડી રહ્યા છે. હાલમાં પોલીસે અજાણ્યા ટ્રક ચાલકો વિરૂદ્ધ ગુનો નોંધી, સીસીટીવી ફૂટેજના આધારે ફરાર બંને વાહનચાલકોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top