India

માલવીય નગર અગ્નિકાંડ: MAX હોસ્પિટલ નજીકની હોટલમાં આગ: દર્દીઓના સગાંઓ સહિત અનેક લોકો ફસાયા હતા

દિલ્હીના માલવીય નગર વિસ્તારના હૌજ રાની ખાતે આવેલી હોટલમાં લાગેલી ભીષણ આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયા છે જ્યારે ઘણા લોકો ઘાયલ થયા છે. આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડ, પોલીસ, DDMA અને અન્ય ઇમરજન્સી એજન્સીઓએ યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી કુલ 37 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.

સવારે 8:50 વાગ્યે મળ્યો આગનો કોલ
દિલ્હી ફાયર સર્વિસના ફાયર ઓફિસર એ.કે. મલિકે ઘટનાની વિગત આપતા જણાવ્યું કે ફાયર વિભાગને સવારે આશરે 8:50 વાગ્યે આગ લાગ્યાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતા જ શરૂઆતમાં સાત ફાયર ટેન્ડર ઘટના સ્થળે મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિની ગંભીરતા જોતા વધુ અગ્નિશામક વાહનો અને બચાવ ટીમોને પણ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.તેમણે જણાવ્યું કે ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચતા જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ટીમે અત્યંત ઝડપી કામગીરી કરીને ઇમારતમાં ફસાયેલા કુલ 37 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

બેઝમેન્ટથી પાંચ માળ સુધીની ઈમારત
ફાયર ઓફિસર એ.કે. મલિકના જણાવ્યા મુજબ આ એક બહુમાળી ઇમારત છે, જેમાં એક બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને તેના ઉપર પાંચ માળ આવેલા છે. આગ કયા કારણોસર લાગી તે અંગે હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં કેટલાક મહત્વપૂર્ણ તથ્યો સામે આવ્યા છે.સ્થળ પર હાજર રહેલા લોકો અને સ્થાનિક સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ઇમારત સંપૂર્ણપણે સામાન્ય રહેણાંક સંકુલ તરીકે ઉપયોગમાં લેવાતી નહોતી. અહીં રહેતા મોટાભાગના લોકો એવા હતા કે જેમના સગાં-સંબંધીઓ સામે આવેલા MAX હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

હોસ્પિટલના દર્દીઓના સગાઓ અહીં રોકાતા હતા
ફાયર વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે ઇમારતની સામે જ આવેલી MAX હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓના પરિવારજનો અને ઓળખીતાઓ માટે આ હોટલ રહેવા માટેનું મુખ્ય સ્થળ બની ગઈ હતી.આ કારણે અહીં મોટી સંખ્યામાં બહારગામથી આવેલા લોકો રોકાયેલા હતા. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પ્રાથમિક માહિતી અનુસાર આગ સમયે હોટલમાં કેટલાક વિદેશી નાગરિકો પણ હાજર હતા. જોકે તમામ લોકોની ઓળખ અને તેમની સ્થિતિ અંગેની વિગતવાર માહિતી પોલીસ દ્વારા એકત્ર કરવામાં આવી રહી છે.

આગ પર ઝડપથી કાબૂ મેળવાયો
ફાયર ઓફિસર એ.કે. મલિકે જણાવ્યું કે ફાયર બ્રિગેડની ઝડપી કામગીરીને કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં લઈ લેવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે આગ ખૂબ ઝડપથી બુઝાવી દેવામાં આવી હતી, જેના કારણે વધુ જાનહાનિ અટકાવવામાં મદદ મળી.આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ ઇમારતને ખાલી કરાવવામાં આવી અને ત્યારબાદ સમગ્ર પરિસર પોલીસને સોંપવામાં આવ્યું. હવે પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા આગના કારણો અને સંભવિત બેદરકારી અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

દસથી વધુ ફાયર બ્રિગેડ વાહનો તૈનાત
સમાચાર એજન્સી PTIના અહેવાલ અનુસાર આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઘટનાસ્થળે ઓછામાં ઓછા દસ અગ્નિશામક વાહનો મોકલવામાં આવ્યા હતા.દિલ્હી અગ્નિશામક સેવા (DFS)ના એક અધિકારીએ જણાવ્યું કે શરૂઆતમાં બે વોટર ટેન્ડર, બે વોટર બાઉઝર, એક ક્વિક રિસ્પોન્સ વ્હિકલ તેમજ અન્ય અગ્નિશામક યુનિટોને મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ જરૂરિયાત મુજબ વધુ ટીમોને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પણ આ દુર્ઘટના અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે માલવીય નગરમાં થયેલી આ આગની ઘટનામાં જાનમાલનું મોટું નુકસાન થયું છે, જે અત્યંત દુઃખદ છે. સાથે તેમણે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ઘાયલ થયેલા લોકોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. એટલુજ નહિ તેમણે આ દુઃખદ ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને હિંમત અને શક્તિ મળે તેવી પણ પ્રાર્થના કરી.

ઇમરજન્સી એજન્સીઓને તાત્કાલિક સક્રિય કરાઈ
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આગની જાણ થતાં જ દિલ્હી ફાયર સર્વિસ, દિલ્હી પોલીસ, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA), CATS એમ્બ્યુલન્સ સેવા અને અન્ય તમામ ઇમરજન્સી પ્રતિસાદ એજન્સીઓને તરત જ સક્રિય કરી દેવામાં આવી હતી.આ તમામ એજન્સીઓએ સંકલિત રીતે કામગીરી કરીને બચાવ અભિયાન ચલાવ્યું હતું. તેમની ઝડપી કાર્યવાહીથી અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી.

સરકાર સતત નજર રાખી રહી છે
રેખા ગુપ્તાએ જણાવ્યું કે દિલ્હી સરકાર સમગ્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી તબીબી સારવાર અને અન્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે આ મુશ્કેલ સમયમાં દિલ્હી સરકાર પીડિત પરિવારોની સાથે મજબૂત રીતે ઊભી છે, દુર્ઘટનાથી પ્રભાવિત તમામ લોકોને શક્ય તેટલી સહાય પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે.

આગના કારણોની તપાસ શરૂ
આગ કેવી રીતે લાગી, તેમાં કોઈ ટેક્નિકલ ખામી, શોર્ટ સર્કિટ કે સલામતીના નિયમોમાં બેદરકારી જવાબદાર હતી કે નહીં તેની તપાસ હવે શરૂ કરવામાં આવી છે. પોલીસ, ફાયર વિભાગ અને અન્ય તપાસ એજન્સીઓ દ્વારા ઘટનાના તમામ પાસા ઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.માલવીય નગરની આ દુર્ઘટનાએ ફરી એકવાર હોટલ અને રહેણાંક ઇમારતોમાં આગ સલામતીના નિયમોના કડક પાલનની જરૂરિયાત તરફ ધ્યાન દોર્યું છે. સમગ્ર દેશ હાલ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થનાઓ કરી રહ્યો છે.

Most Popular

To Top