Vadodara

ડભોઇ-બોડેલી રોડ પર વેગા ગામ નજીક 4 કાર વચ્ચે વિચિત્ર અકસ્માત

ભારે પવન અને વરસાદના કારણે વિઝિબિલિટી શૂન્ય થતાં સર્જાઈ ઘટના, સદનસીબે જાનહાનિ ટળી

(પ્રતિનિધિ), વડોદરા. તા.2

ડભોઇ-વેગા-બોડેલી રોડ પર ગત રોજ વાવાઝૂડા અને ભારે પવન સાથે ખાબકેલા વરસાદ દરમિયાન એક વિચિત્ર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગ પર વિઝિબિલિટી તદ્દન શૂન્ય થઈ જતાં એક પછી એક એમ કુલ 4 કારો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જોકે, આ સમગ્ર ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી છે અને તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી અનુસાર, ડભોઇ બોડેલી રોડ પર આવેલા વેગા ગામ નજીકથી પસાર થઈ રહેલી બે ઇક્કો કાર અને અન્ય બે ગાડીઓ અચાનક બદલાયેલા હવામાનનો ભોગ બની હતી. ભારે પવન અને ધોધમાર વરસાદને કારણે હાઈવે પર આગળનું કશું જ દેખાતું ન હોવાથી ચાલકોએ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેના પરિણામે ચારેય વાહનો એકબીજા સાથે ભટકાયા હતા.

અકસ્માત એટલો વિચિત્ર હતો કે વાહનોને નુકસાન પહોંચ્યું હતું, પરંતુ સદનસીબે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ગંભીર ઈજા કે જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. અકસ્માતને પગલે માર્ગ પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

Most Popular

To Top