Vadodara

MGVCLના 80 ફીડરો ઠપ્પ,વિવિધ વિસ્તારોમાં ટીમો કામે લાગી

અચાનક આવેલા વાવાઝોડાથી શહેરમાં અંધારપટ :

28 લાઈનો કલાકો સુધી બંધ રહેતા 56 હજાર ગ્રાહકો અટવાયા, સવાર સુધીમાં 700 ફરિયાદો નોંધાઈ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.2

વડોદરા શહેરમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન, વાવાઝોડું તેમજ વીજળીના કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો. કુદરતી આફતના આ વાતાવરણને કારણે શહેરના જનજીવન અને ખાસ કરીને વીજ માળખાને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. રાત્રિના સમયે ફૂંકાયેલા જોરદાર પવનને કારણે મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ ના અંદાજે 80 જેટલા વીજ ફીડરો ધડાધડ બંધ થઈ ગયા હતા, જેને પગલે અડધાથી વધુ વડોદરા શહેરમાં મોડી રાત્રે અંધારપટ છવાઈ ગયો હતો.

​હવામાનના આ અચાનક પલટા અને વાવાઝોડાની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષાના પક્ષે તંત્ર દ્વારા તુરંત જ આ ફીડરો ચાલુ કરવામાં આવ્યા ન હતા. પ્રાથમિક વિગતો અનુસાર, આ 80 ફીડરો પૈકી 28 જેટલી લાઈનો એવી હતી જે 1 કલાકથી પણ વધુ સમય સુધી સતત બંધ રહી હતી. આ લાંબા સમયના પાવર કટના કારણે શહેરના અંદાજે 56,000 જેટલા વીજ ગ્રાહકોને અંધારામાં રહેવાની ફરજ પડી હતી અને ઉનાળાની મોસમમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ​જોકે, પરિસ્થિતિની ગંભીરતાને જોતાં એમજીવીસીએલની ટેકનિકલ ટીમો તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી. ધોધમાર વરસાદ અને પવન વચ્ચે પણ વીજ પુરવઠો યથાવત કરવા માટે કચેરીનો સ્ટાફ લાઈન રિસ્ટોરેશનની કામગીરીમાં કામે લાગી ગયો હતો. તંત્રની ભારે જહેમત બાદ મોડી રાત્રે આશરે 1 વાગ્યાની આસપાસ બંધ પડેલા તમામ 100 ટકા ફીડરો સક્રિય કરી દેવામાં આવ્યા હતા અને મુખ્ય લાઈનોનો વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો હતો. ​આ વાવાઝોડાના કારણે વડોદરાના બે થી ત્રણ વિસ્તારોમાં વીજળીના થાંભલા તૂટી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે, જેના પર હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કાર્યવાહી ચાલુ છે. મુખ્ય લાઈનો શરૂ થઈ ગઈ હોવા છતાં, આજે સવાર સુધી સ્થાનિક સ્તરે વીજળી ગુલ થવાની છૂટક ફરિયાદોનો દોર ચાલુ રહ્યો હતો. આજે સવારે 8 વાગ્યા સુધીમાં તંત્રને સિંગલ ફેઝ અને વ્યક્તિગત વીજ જોડાણમાં ખામીની અંદાજે 700 જેટલી ફરિયાદો મળી છે. આ તમામ ફરિયાદોના નિવારણ અને સ્થાનિક સ્તરે વીજ પુરવઠો સંપૂર્ણપણે થાળે પાડવા માટે એમજીવીસીએલની ટીમો આજે સવારથી જ સતત ફિલ્ડમાં કાર્યરત છે.

Most Popular

To Top