National

હત્યા કેસથી બદનામ થઈ રહ્યો છે લોહગઢ કિલ્લો, રીલ્સ અને સેલ્ફી માટે ભીડ ઉમટતા, લોહગઢ કિલ્લો અસ્થાયી બંધ કરાયો

પુણે નજીક આવેલો ઐતિહાસિક લોહગઢ કિલ્લો છેલ્લા કેટલાક દિવસોથી તેના ઇતિહાસ કે કુદરતી સૌંદર્યને કારણે નહીં, પરંતુ એક ચર્ચિત હત્યા કેસને કારણે ચર્ચામાં છે. 26 વર્ષીય રિયલ એસ્ટેટ વ્યવસાયી કેતન અગ્રવાલની હત્યા બાદ કિલ્લાના ‘વિંચુ કડા’ તરીકે ઓળખાતા સ્થળને સોશિયલ મીડિયા પર કેટલાક લોકો ‘સિયા પોઇન્ટ’ તરીકે ઓળખાવવા લાગ્યા છે. આ કેસ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોહગઢ કિલ્લા પર પ્રવાસીઓની સંખ્યામાં અચાનક વધારો થયો છે. સામાન્ય રીતે સપ્તાહના અંતે હજારો લોકો અહીં આવતા હોય છે, પરંતુ હવે અઠવાડિયાના સામાન્ય દિવસોમાં પણ મોટી સંખ્યામાં લોકો માત્ર કથિત હત્યા સ્થળ જોવા માટે પહોંચી રહ્યા છે. ઘણા લોકો અહીં સેલ્ફી લેતા, વીડિયો બનાવતા અને સોશિયલ મીડિયા માટે રીલ્સ બનાવતા જોવા મળ્યા છે. વધતી ભીડને કારણે પોલીસ અને વહીવટી તંત્રને તપાસમાં મુશ્કેલી પડી રહી હતી. પુરાવાઓની સુરક્ષા અને લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને કિલ્લાના કેટલાક વિસ્તારોને અસ્થાયી રીતે બંધ કરવામાં આવ્યા છે. પોલીસે અનેક લોકોને સ્થળ પરથી દૂર કર્યા હતા અને લોકોને અપીલ કરી હતી કે ગુનાના સ્થળને પ્રવાસન સ્થળ તરીકે ન જોવું જોઈએ.

આ દરમિયાન સિયા ગોયલ અને ચેતન ચૌધરીના ઘટનાથી પહેલાના કેટલાક વીડિયો અને સોશિયલ મીડિયા પોસ્ટ પણ વાયરલ થયા છે. તપાસ એજન્સીઓ આ તમામ ડિજિટલ પુરાવાઓની પણ તપાસ કરી રહી છે. અધિકારીઓએ લોકોને અપ્રમાણિત માહિતી શેર ન કરવા અને સોશિયલ મીડિયા પર અફવાઓ ન ફેલાવવાની અપીલ કરી છે.

વળી આ હત્યાકાંડ બાદ આ સ્થળે લોકો મોટા પ્રમાણમાં આવી તો રહ્યા છે, પરંતુ આ જગ્યાને સિયા પોઇન્ટ તરીકે સોશિયલ મીડિયા પર સંબોધવા લાગ્યા છે. આ નામકરણ સામે હવે સ્થાનિક રહેવાસીઓ, ઇતિહાસકારો, શિવાજી મહારાજના અનુયાયીઓ અને અનેક હિન્દુ સંગઠનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે સદીઓ જૂનો ઇતિહાસ ધરાવતા અને છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાથાના સાક્ષી એવા લોહગઢ કિલ્લાને કોઈ એક ગુનાની ઘટનાથી ઓળખાવવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તેઓનું માનવું છે કે આ પ્રકારના સંદર્ભોથી કિલ્લાની ઐતિહાસિક ઓળખને નુકસાન થઈ રહ્યું છે અને નવી પેઢીમાં પણ ખોટો સંદેશ જઈ રહ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને શિવાજી મહારાજના અનુયાયીઓએ માંગ કરી છે કે સ્થાનિક લોકો, પ્રવાસી માર્ગદર્શકો અને પ્રવાસીઓ આ સ્થળને માત્ર ‘વિંચુ કડા’ તરીકે જ ઓળખે. તેમણે રાજ્ય સરકારને અહીં સત્તાવાર રીતે ‘વિંચુ કડા’ નામનું સાઇનબોર્ડ લગાવવાની પણ અપીલ કરી છે. આ સમગ્ર વિવાદનું કારણ કેતન અગ્રવાલ હત્યા કેસ છે. આ કેસમાં 20 વર્ષીય સિયા ગોયલ અને તેના કથિત પ્રેમી ચેતન ચૌધરી મુખ્ય આરોપી છે. આરોપ છે કે બંનેએ લોહગઢ કિલ્લા પર ફરવા દરમિયાન કેતન અગ્રવાલને ખીણમાં ધક્કો મારી તેની હત્યા કરી હતી. હાલમાં પોલીસે બંને સામે તપાસ તેજ કરી છે અને પોલીગ્રાફ ટેસ્ટ સહિતની કાનૂની પ્રક્રિયા પણ શરૂ કરી છે.

લોહગઢ કિલ્લો મહારાષ્ટ્રના સૌથી મહત્વપૂર્ણ ઐતિહાસિક કિલ્લાઓમાંનો એક છે. સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલો આ કિલ્લો લોનાવાલાથી લગભગ 11 કિલોમીટર અને પુણેથી આશરે 60 કિલોમીટર દૂર છે. ઇતિહાસકારોના મતે આ કિલ્લાનો ઇતિહાસ લગભગ 2,000 વર્ષ જૂનો છે અને છત્રપતિ શિવાજી મહારાજના સમયમાં તે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વનો ગણાતો હતો. જે સ્થળને હવે સોશિયલ મીડિયા પર ‘સિયા પોઇન્ટ’ કહેવામાં આવી રહ્યું છે, તેનું મૂળ નામ ‘વિંચુ કડા’ છે. મરાઠી ભાષામાં ‘વિંચુ’ એટલે વીંછી અને ‘કડા’ એટલે ખડકની ધાર. ઉપરથી જોતા આ ભાગની રચના વીંછીના ડંખ જેવી દેખાતી હોવાથી વર્ષોથી તેને ‘વિંચુ કડા’ તરીકે ઓળખવામાં આવે છે. ઐતિહાસિક રીતે આ સ્થળ કિલ્લાની સુરક્ષા માટે વોચ પોઈન્ટ તરીકે ઉપયોગમાં લેવાતો હતો.

Most Popular

To Top