Gujarat

બોગસ પત્રકારોના નામે હેરાનગતિનો મુદ્દો ગરમાયો: ધારાસભ્યોની ફરિયાદ બાદ સુરત પોલીસ એક્શનમાં

SOGને સોંપાઈ તપાસ:RTI અરજદારો અને બોગસ પત્રકારોના નામે ઉદ્યોગકારો-સરકારી અધિકારીઓને હેરાન કરાતા હોવાના આક્ષેપ, શંકાસ્પદ તત્વોની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ

સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં RTI અરજદારો અને બોગસ પત્રકારોના નામે ઉદ્યોગકારો તેમજ સરકારી અધિકારીઓને હેરાનગતિ અને દબાણ કરવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે ઉધના અને ચોર્યાસી વિસ્તારના ધારાસભ્યોએ પોલીસ સમક્ષ રજૂઆત કરતાં સુરત શહેર પોલીસ હરકતમાં આવી છે અને સમગ્ર તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને સોંપવામાં આવી છે.

પોલીસ પાસે થી મળતી માહિતી મુજબ, તાજેતરમાં યોજાયેલી સંકલન બેઠક દરમિયાન ઉધનાના ધારાસભ્ય મનુ પટેલ અને ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. બંને ધારાસભ્યોએ રજૂઆત કરી હતી કે કેટલાક તત્વો RTI અને પત્રકારત્વના નામે સરકારી કચેરીઓ તેમજ ઉદ્યોગકારો પર દબાણ ઉભું કરી રહ્યા છે અને વિવિધ રીતે હેરાનગતિ આચરી રહ્યા છે.

પોલીસ કમિશનરે SOGને સોંપી તપાસ
આ રજૂઆતને ગંભીરતાથી લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે SOGના DCP રાજદીપસિંહ નકુમને તપાસની જવાબદારી સોંપી હોવાનું જાણવા મળ્યું છે. SOG દ્વારા હવે મહાનગરપાલિકા, GIDC, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સહિત વિવિધ સરકારી કચેરીઓમાંથી માહિતી એકત્રિત કરવામાં આવશે.તપાસ દરમિયાન RTI અરજદારો અને શંકાસ્પદ બોગસ પત્રકારોની વિગતો મેળવી તેમના નેટવર્ક અને પ્રવૃત્તિઓની ચકાસણી કરવામાં આવશે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, અગાઉ પણ ફરિયાદો મળી હતી, જેના આધારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

‘પાર્ટ-2’ અભિયાન શરૂ થવાની શક્યતા
પોલીસ વર્તુળોમાં ચર્ચા છે કે અગાઉ હાથ ધરાયેલા અભિયાન બાદ હવે ફરી એકવાર મળેલી ફરિયાદોને આધારે ‘પાર્ટ-2’ અભિયાન શરૂ કરવામાં આવી શકે છે. તપાસ દરમિયાન જો કોઈ વ્યક્તિ RTI અથવા પત્રકારત્વના નામે દબાણ કરીને ગેરકાયદેસર લાભ મેળવતો હોવાનું સામે આવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

બ્લેકમેઇલિંગ અને ગેરકાયદેસર વસૂલીની પણ તપાસ
પોલીસ તપાસમાં ખાસ કરીને એ દિશામાં ધ્યાન કેન્દ્રિત કરશે કે કોઈ વ્યક્તિ RTI કે પત્રકારત્વના નામે ઉદ્યોગકારો અથવા સરકારી અધિકારીઓને ધમકી આપી, બ્લેકમેઇલ કરીને અથવા દબાણ ઊભું કરીને આર્થિક લાભ મેળવી રહ્યો છે કે નહીં. વિવિધ વિભાગોમાંથી માહિતી એકત્રિત કરીને સમગ્ર નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

ઉદ્યોગકારોમાં રાહતની લાગણી
ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત અનેક ઉદ્યોગકારો લાંબા સમયથી આવી પ્રવૃત્તિઓથી પરેશાન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસની કાર્યવાહી બાદ ઉદ્યોગકારો, સરકારી અધિકારીઓમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. સાથે જ પત્રકારત્વની છબીને નુકસાન પહોંચાડતા બોગસ તત્વો સામે પણ કડક કાર્યવાહી થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્ય મુદ્દા
RTI અને બોગસ પત્રકારોના નામે હેરાનગતિની ફરિયાદ
ધારાસભ્યો મનુ પટેલ અને સંદીપ દેસાઈએ મુદ્દો ઉઠાવ્યો
સુરત પોલીસ કમિશનરે SOGને તપાસ સોંપી
શંકાસ્પદ તત્વોની યાદી તૈયાર કરવાની કાર્યવાહી શરૂ
મહાનગરપાલિકા, GIDC અને GPCB સહિત વિવિધ વિભાગોમાંથી માહિતી એકત્રિત થશે
બ્લેકમેઇલિંગ અને ગેરકાયદેસર વસૂલી સામે કડક કાર્યવાહીનો સંકેત, સુરત પોલીસની આ કાર્યવાહી બાદ RTI અને પત્રકારત્વના નામે ગેરરીતિ આચરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top