ડેપ્યુટી કમિશનર રાજેશ બોગયતાની ભરૂચ ખાતે બદલી,15 દિવસમાં ડેપ્યુટેશન પર આવેલા બે અધિકારીઓની બદલી, મનપામાં અધિકારીઓની ઘટને લઈને ચિંતાઓ વધી
સુરત મહાનગરપાલિકામાં મોડી રાત્રે કરવામાં આવેલા વહીવટી ફેરફારોને લઈને ચર્ચાઓ તેજ બની છે. ડેપ્યુટી કમિશનર રાજેશ બોગયતાની અચાનક ભરૂચ ખાતે બદલી કરવામાં આવતા મનપાના વહીવટી તંત્રમાં ફરી એકવાર અધિકારીઓની અછતનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, થોડા દિવસો પહેલાં જ ડેપ્યુટી કમિશનર દિનેશ ગુરુવની બદલી કરવામાં આવી હતી. હવે તેમના બાદ રાજેશ બોગયતાને પણ સુરત મહાનગરપાલિકામાંથી બદલી કરીને રિજનલ ઓફિસર તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. ખાસ વાત એ છે કે તેમની જગ્યાએ હજુ સુધી કોઈ નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી નથી.
15 દિવસમાં બે અધિકારીઓની બદલી
મનપાના વહીવટી વર્તુળોમાં ચર્ચા છે કે છેલ્લા માત્ર 15 દિવસમાં ડેપ્યુટેશન પર આવેલા બે મહત્વના અધિકારીઓની બદલી થતાં અન્ય અધિકારીઓ પર કામનો ભાર વધવાનો છે. મોડી રાત્રે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં અનેક ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેમાં રાજેશ બોગયતાનું નામ પણ સામેલ હતું.
મહત્વના વિભાગોની જવાબદારી સંભાળતા હતા બોગયતા
રાજેશ બોગયતા સુરત મહાનગરપાલિકામાં અનેક મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી રહ્યા હતા. તેમની પાસે ડ્રેનેજ, ઓડિટ, સિવિલ વિભાગ સહિત કુલ પાંચ વિભાગોનો ચાર્જ હતો. ઉપરાંત શહેરના અનેક મહત્વપૂર્ણ વિકાસકાર્યોની દેખરેખ પણ તેઓ કરતા હતા. હવે તેમની બદલી બાદ આ તમામ વિભાગોની જવાબદારી અન્ય અધિકારીઓને સોંપવામાં આવશે.
₹10 હજાર કરોડના બજેટ વચ્ચે અધિકારીઓની અછત
સુરત મહાનગરપાલિકાનું વાર્ષિક બજેટ આશરે ₹10 હજાર કરોડ જેટલું છે. આવા વિશાળ બજેટ અને શહેરના સતત વિસ્તરી રહેલા વિકાસકાર્યો વચ્ચે અધિકારીઓની ઘટ ચિંતાનો વિષય બની રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી અધિકારીઓની બદલી અને નિવૃત્તિના કારણે અનેક મહત્વપૂર્ણ જગ્યાઓ ખાલી પડી રહી છે.મનપાના વહીવટી તંત્રમાં હાલમાં પણ કેટલીક મહત્વની જગ્યાઓ ખાલી હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં સતત થતી બદલીના કારણે વિકાસકાર્યોની ગતિ અને નિર્ણય પ્રક્રિયા પર અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિકાસકાર્યો પર અસરની આશંકા
વહીવટી તજજ્ઞોના મતે, શહેરના મહત્વના વિભાગો સંભાળતા અધિકારીઓની અચાનક બદલી થવાથી ચાલી રહેલા પ્રોજેક્ટ્સ અને વિકાસકાર્યો પર અસર પડી શકે છે. ખાસ કરીને ડ્રેનેજ, સિવિલ અને ઓડિટ જેવા વિભાગોમાં નવા અધિકારીઓને જવાબદારી સંભાળવામાં સમય લાગતો હોય છે.