વડોદરા, તા. 2 જૂન : વડોદરા શહેરના વરિષ્ઠ રાજકારણી, માંજલપુર વિધાનસભા બેઠકના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી યોગેશભાઈ પટેલનું નિધન થયું છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી અસ્વસ્થ હોવાથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
યોગેશભાઈ પટેલના નિધનના સમાચાર મળતા જ રાજકીય, સામાજિક અને વ્યાપારી ક્ષેત્રોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. તેમના સમર્થકો, કાર્યકરો તેમજ શુભેચ્છકો હોસ્પિટલ અને તેમના નિવાસસ્થાને પહોંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે.
યોગેશભાઈ પટેલ લાંબા સમયથી જાહેર જીવન સાથે જોડાયેલા હતા અને વડોદરા શહેરના વિકાસકાર્યોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. તેઓ અનેક વખત લોકપ્રતિનિધિ તરીકે ચૂંટાયા હતા તેમજ રાજ્ય સરકારમાં મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવી હતી. તેમના સૌમ્ય સ્વભાવ, સરળ કાર્યશૈલી અને લોકો સાથેના નજીકના સંબંધોને કારણે તેઓ લોકપ્રિય નેતા તરીકે ઓળખાતા હતા.
તેમના અવસાનથી ભાજપ પરિવાર સહિત સમગ્ર વડોદરા શહેરે એક અનુભવી અને જનપ્રિય નેતાને ગુમાવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમના નિધન અંગે વિવિધ રાજકીય આગેવાનો, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોએ શોક વ્યક્ત કર્યો છે.
યોગેશભાઈ પટેલના અંતિમ સંસ્કાર અંગેની વિગતો પરિવારજનો દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.