ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની મોડી રાત્રે યોજાયેલી હાઈલેવલ બેઠક બાદ સુરત પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ છે. ઓનલાઈન છેતરપિંડી અને ડમી બેંક ખાતાઓ સામે શરૂ કરાયેલા ‘ઓપરેશન મ્યુલ એકાઉન્ટ ઝીરો-2’ હેઠળ શહેરભરમાં એકસાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેના પરિણામે ગણતરીના કલાકોમાં જ ઓનલાઈન છેતરપિંડીના 40 ગુના નોંધાયા છે. પોલીસના જણાવ્યા મુજબ શહેરના લગભગ 80 ટકા પોલીસ મથકોમાં ઓનલાઈન ફ્રોડ સંબંધિત ફરિયાદો નોંધાઈ છે. અત્યાર સુધીમાં 40 જેટલા કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, જે દર્શાવે છે કે સાયબર ગુનેગારોનું જાળું શહેરમાં કેટલું વ્યાપક બની ગયું છે. જોકે હવે પોલીસ પણ આવા તત્વો સામે આક્રમક અભિયાન ચલાવી રહી છે.
ઓપરેશન દરમિયાન સામે આવેલી વિગતો ચોંકાવનારી છે. કેટલાક કેસોમાં માત્ર 4000ની છેતરપિંડી થઈ છે, જ્યારે સૌથી મોટા કેસમાં 1.52 કરોડથી વધુની રકમ પડાવી લેવાઈ હોવાનું બહાર આવ્યું છે. અનેક સામાન્ય નાગરિકો પોતાની મહેનતની કમાણી ગુમાવી બેઠા છે, જેના કારણે પોલીસ દ્વારા તમામ કેસોની અલગ-અલગ ટીમો મારફતે તપાસ શરૂ કરવામાં આવી છે. નોંધાયેલા 40 કેસોમાંથી 13 ફરિયાદો સીધી સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. શહેરની સૌથી મોટી 1.52 કરોડની ઓનલાઈન ટ્રેડિંગ છેતરપિંડીનો કેસ પણ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાયો છે. પોલીસ હવે નાણાં કયા મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા અને તેની પાછળ કઈ ગેંગ કાર્યરત છે તેની તપાસમાં લાગી છે. સાયબર સેલ ઉપરાંત ઈચ્છાપોર, ડુમ્મસ, સચિન GIDC, ભેસ્તાન, ડીંડોલી, ઉત્રાણ, અમરોલી, જહાંગીરપુરા, અડાજણ, રાંદેર, અલથાણ, પાંડેસરા, વેસુ, ઉમરા, અઠવા, ચોક બજાર, લાલ ગેટ, સારોલી, લિંબાયત, પુણા, વરાછા, કાપોદ્રા અને સરથાણા સહિતના પોલીસ સ્ટેશનોમાં પણ ફરિયાદો નોંધાઈ છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ઠગબાજો લોકોના મોબાઈલમાં APK ફાઈલ ડાઉનલોડ કરાવી ડિવાઈસ હેક કરે છે. ઉપરાંત શેરબજારમાં ઝડપથી નફો કમાવવાની લાલચ, રોકાણ પર બમણું વળતર અને અન્ય આકર્ષક ઓફરો આપીને લોકોને શિકાર બનાવવામાં આવે છે. સગરામપુરા 28 વર્ષીય મહિલાએ તિરુમાલામાં ગેસ્ટ હાઉસ બુક કરાવવા માટે એક વોટ્સએપ નંબર પર સંપર્ક કર્યો હતો. આરોપીએ રૂમ બુકિંગના નામે PhonePe મારફતે 4000 ટ્રાન્સફર કરાવી લીધા હતા, પરંતુ બુકિંગ કર્યા વગર જ સંપર્ક તોડી નાખ્યો હતો. આ મામલે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અડાજણના રહેવાસી રોહિત પાટીલ સાથે સૌથી મોટી છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. ઠગોએ વોટ્સએપ મારફતે સંપર્ક કરી ઓનલાઈન ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી www.centuryinternationalsin.com અને www.omnifxpro.com જેવી શંકાસ્પદ વેબસાઈટ્સ પર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. નવેમ્બર 2025થી ફેબ્રુઆરી 2026 દરમિયાન અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 1,52,63,198 પડાવી લેવામાં આવ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોલીસે BNS અને IT Act હેઠળ ગુનો નોંધી ઇન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના ખાતાઓની વિગતો મેળવી તપાસ શરૂ કરી છે. ગૃહમંત્રીના નિર્દેશ બાદ શરૂ થયેલા આ અભિયાનથી સાયબર ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે અને આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.