બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘Toxic: A Fairytale for Grown-Ups’ને લઈને ચર્ચામાં છે. જોકે આ વખતે તે ફિલ્મ નહીં પરંતુ પોતાના અંગત જીવન અને માતૃત્વના અનુભવોને કારણે સમાચારોમાં છે. માતા બન્યાના લગભગ એક વર્ષ બાદ કિયારાએ એક તાજેતરના ઇન્ટરવ્યુમાં ડિલિવરી પછી મહિલાઓને સામનો કરવો પડતા શારીરિક, માનસિક અને સામાજિક પડકારો અંગે ખુલ્લેઆમ વાત કરી હતી. કિયારા અને તેના પતિ અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાએ 15 જુલાઈ 2025ના રોજ તેમની પુત્રી સરાયાનું સ્વાગત કર્યું હતું. પુત્રીના જન્મ બાદના અનુભવો શેર કરતાં કિયારાએ કહ્યું કે માતૃત્વ એક સુંદર પરંતુ અત્યંત પડકારજનક સફર છે, જેના માટે કોઈ મહિલા સંપૂર્ણ રીતે તૈયાર હોતી નથી. તેણે જણાવ્યું કે, ‘મને નથી લાગતું કે લોકો તમને આ તબક્કા માટે ખરેખર તૈયાર કરે છે. હવે હું આ સમગ્ર અનુભવમાંથી પસાર થઈ ચૂકી છું એટલે તેની વિશે હળવાશથી વાત કરી શકું છું. ઘણીવાર હું મારી એવી મિત્રોને પૂછું છું જેઓ પહેલેથી માતા બની ચૂકી છે કે તેમણે મને આ બધું પહેલાં કેમ ન કહ્યું?”
કિયારાના મતે, ડિલિવરી પછી મહિલાઓ જે માનસિક ઉથલપાથલ, અપરાધભાવ અને લાગણીસભર સંઘર્ષમાંથી પસાર થાય છે તેના વિશે સમાજમાં બહુ ઓછી ચર્ચા થાય છે. તેણીએ કહ્યું કે બાળકના જન્મ પછી માત્ર જીવનશૈલી જ નહીં પરંતુ મહિલાના શરીર અને મન બંનેમાં મોટા ફેરફારો આવે છે. તેણે સમજાવ્યું કે ગર્ભાવસ્થા અને ડિલિવરી દરમિયાન હોર્મોન્સમાં મોટા ફેરફારો થતા હોય છે, જેના કારણે મહિલાની ભાવનાત્મક સ્થિતિ પણ સતત બદલાતી રહે છે. એક સ્ત્રી નવ મહિના સુધી બાળકને પોતાના ગર્ભમાં રાખે છે, તેને જન્મ આપે છે અને ત્યારબાદ તેની સંભાળ રાખે છે. તેથી માતૃત્વનો અનુભવ પુરુષોની સરખામણીમાં મહિલાઓ માટે વધુ ઊંડો અને પરિવર્તનકારી હોય છે.
કિયારાએ સમાજની તે માનસિકતા પર પણ નિશાન સાધ્યું જેમાં ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓના વખાણ કરવામાં આવે છે પરંતુ બાળકના જન્મ બાદ તેમના દેખાવને લઈને ટિપ્પણીઓ શરૂ થઈ જાય છે. તેણે કહ્યું, ‘જ્યારે તમે ગર્ભવતી હોવ ત્યારે લોકો કહે છે કે તમારા ચહેરા પર કેટલો સુંદર ગ્લો છે અને તમે કેટલી સુંદર લાગી રહ્યા છો. પરંતુ બાળકના જન્મ પછી તરત જ લોકો કહેવા લાગે છે કે હવે તમે જાડી લાગી રહ્યા છો અથવા પહેલાં જેવી દેખાતી નથી.’ કિયારાના મતે, આ પ્રકારની અપેક્ષાઓ મહિલાઓ પર વધારાનું દબાણ ઊભું કરે છે. સમાજ ઘણીવાર ઈચ્છે છે કે માતા બનેલી મહિલા ખૂબ જ ઝડપથી પોતાના જૂના શારીરિક આકારમાં આવી જાય અને તરત જ પોતાના કામકાજમાં પાછી ફરી જાય, જ્યારે હકીકતમાં આ સમયગાળો મહિલાઓ માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે.
તેણે ભારપૂર્વક જણાવ્યું કે ડિલિવરી પછીનો સમય એવો હોય છે જ્યારે મહિલાઓને સૌથી વધુ પ્રેમ, સમજણ અને સહયોગની જરૂર હોય છે. ‘કહેવાય છે કે બાળકને ઉછેરવા માટે આખા ગામની જરૂર પડે છે, પરંતુ હું માનું છું કે એક માતાને ઉછેરવા માટે પણ આખા ગામના સપોર્ટની જરૂર પડે છે,’ એમ કિયારાએ કહ્યું. પુત્રી સરાયાના આગમન બાદ ઘરમાં આવેલા બદલાવ વિશે વાત કરતાં કિયારાએ હળવી મજાકમાં કહ્યું કે હવે ઘરમાં માત્ર સરાયાનું જ રાજ ચાલે છે. ‘હવે એ ઘર સરાયાનું છે, હું અને સિદ્ધાર્થ તો માત્ર તેમાં રહીએ છીએ. ઘરના દરેક ખૂણામાં તેના રમકડાં અને પ્લેમેટ્સનો કબજો છે,’ એમ તેણે હસતાં કહ્યું. કિયારાએ અંતમાં જણાવ્યું કે માતૃત્વની આ સફરે તેને એક વ્યક્તિ અને કલાકાર તરીકે વધુ પરિપક્વ બનાવી છે. તેના મતે, આ અનુભવથી તે જીવનને વધુ સારી રીતે સમજી શકી છે અને હવે તેના ચાહકો તથા ફિલ્મ નિર્માતાઓને તેનું વધુ મજબૂત અને પરિપક્વ સ્વરૂપ જોવા મળશે.