Vadodara

ડેસરના વક્તાપુરામાં આકાશી આફત, ભારે પવન સાથે ત્રાટકેલા વરસાદમાં લીમડાનું ઝાડ પડતાં વૃદ્ધ ખેડૂતનું મોત

(પ્રતિનિધિ), વડોદરા. તા.2
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના વક્તાપુરા ગામે કુદરતનો પ્રકોપ વરસ્યો છે. ગત રોજ અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ ફૂંકાયેલા ભારે પવન અને ગાજવીજ સાથેના વરસાદને કારણે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી. ખેતરમાં પાકના રક્ષણ માટે રખેવાળી કરવા ગયેલા 65 વર્ષીય વૃદ્ધ ખેડૂત પર લીમડાનું વિશાળ ઝાડ ધરાશાયી થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.

મળતી માહિતી મુજબ, વક્તાપુરા ગામમાં રહેતા 65 વર્ષીય ખેડૂત રયજીભાઈ રાઠોડ પોતાના ખેતરમાં ઊભેલા પાકને પશુઓ કે અન્ય નુકસાનથી બચાવવા માટે રાત્રે ત્યાં જ રોકાયા હતા. તેઓ ખેતરમાં પલંગ (ખાટલો) ઢાળીને સૂતા હતા. આ દરમિયાન અચાનક હવામાન બદલાયું હતું અને વાવાઝોડા જેવા તીવ્ર પવન સાથે વરસાદ શરૂ થયો હતો.

ભારે પવનના કારણે પલંગની નજીક આવેલું એક મોટું અને વજનદાર લીમડાનું ઝાડ મૂળમાંથી ઉખડીને સીધું રયજીભાઈ પર પડ્યું હતું. ઝાડ એટલું ભારે હતું કે રયજીભાઈને સંભાળવાની કે ભાગવાની તક જ મળી નહોતી. ઝાડ નીચે ચગદાઈ જવાથી આ અકસ્માતમાં તેમનું સ્થળ પર જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું.

સવારે ઘટનાની જાણ થતાં જ આસપાસના ખેતરોમાંથી લોકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ઝાડ નીચેથી ખેડૂતના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો ત્યારે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ઘરના મોભીના આવા અચાનક અને કરુણ મોતથી પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે અને તેમના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. સ્થાનિક તંત્રને પણ આ અંગે જાણ કરવામાં આવતા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top