Gujarat

લા મેન્સા ભાગીદારી પેઢીમાં ₹48.48 લાખની ઉચાપત અને છેતરપિંડી: સુરત ઇકોસેલે બે આરોપીઓને ઝડપી પાડ્યા:

ભાગીદારી પેઢીના નાણાંની ગેરરીતિ અને વિશ્વાસઘાતનો ભાંડો ફૂટ્યો,ઇકોસેલની ઝડપી કાર્યવાહી

સુરત શહેરમાં આર્થિક ગુનાઓ સામે કડક કાર્યવાહી હાથ ધરતી ઇકોનોમિક ઓફેન્સ સેલ (ઇકોસેલ)ને વધુ એક મોટી સફળતા મળી છે. ભાગીદારી પેઢી ‘લા મેન્સા રેસ્ટોરન્ટ’ના વ્યવહારોમાં લાખો રૂપિયાની ઉચાપત, નાણાકીય ગેરરીતિ, વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરનાર બે આરોપીઓને ઇકોસેલે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર (ક્રાઇમ) અને નાયબ પોલીસ કમિશનર (ઇકોસેલ)ના માર્ગદર્શન હેઠળ શહેરમાં વધતા આર્થિક ગુનાઓ પર અંકુશ લાવવા માટે ઇકોસેલ દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ જ અભિયાન અંતર્ગત નોંધાયેલી ફરિયાદના આધારે તપાસ હાથ ધરતા આ ગુનાનો પર્દાફાશ થયો હતો.

કેવી રીતે આચરાઈ છેતરપિંડી?
ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ‘લા મેન્સા રેસ્ટોરન્ટ’ નામની ભાગીદારી પેઢી કાર્યરત હતી. ફરિયાદ મુજબ પેઢીના વ્યવહારો દરમિયાન કુલ ₹48,48,700ની ઉચાપત કરવામાં આવી હતી. જે બાદ તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી રવિન્દ્રકુમાર ગોરસિયાએ પેઢીના નાણાંનો ગેરઉપયોગ કરીને હિસાબ આપ્યા વગર મોટી રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી હતી.આ ઉપરાંત આરોપી કેવલ ભરતભાઈ પટેલ સાથે મળીને ગુનાહિત કાવતરું રચવામાં આવ્યું હતું.

એટલુજ નહિ પેઢીના નાણાંમાંથી અંદાજે ₹15 લાખની રકમની ગેરરીતિ થઈ હોવા છતાં બંને આરોપીઓએ હિસાબ રજૂ કર્યો ન હતો. આ કેશ માં મહત્વની વાત એ છે કે ફરિયાદીને લીગલ નોટિસ મોકલી મિલકતનો કબજો મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ફરિયાદી દ્વારા રજૂઆત કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. ઇકોસેલે ટેકનિકલ તેમજ માનવ બાતમીદારોની મદદથી તપાસનો વ્યાપ વધાર્યો હતો.

ઇકોસેલની તપાસમાં બે આરોપીઓ ઝડપાયા
તપાસ દરમિયાન ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ઓળખ કરીને તેમને સુરતમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન અનેક મહત્વપૂર્ણ વિગતો સામે આવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. હાલ બંને આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહી છે અને અન્ય પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે.

પકડાયેલા આરોપીઓ

  1. રવિન્દ્રકુમાર કનુભાઈ ગોરસિયા
    ઉંમર: 39 વર્ષ
    વ્યવસાય: ધંધો-વેપાર
    રહેવાસી: 302, અક્ષર હાઈટ્સ, શ્રીકુંજ એપાર્ટમેન્ટ પાસે, ડભોલી કતારગામ, સુરત
    મૂળ વતન: અકાળા, તા. લાઠી, જિ. અમરેલી
  2. કેવલ ભરતભાઈ પટેલ
    ઉંમર: 35 વર્ષ
    વ્યવસાય: જમીન દલાલી
    રહેવાસી: 366, અંબાજી માતા મંદિર પાસે, નાની વેડ ગામ, વેડરોડ, સુરત
  3. આગળની કાર્યવાહી
    ઇકોસેલ દ્વારા બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓના રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે જેથી વધુ પુરાવા મેળવી સમગ્ર નાણાકીય ગેરરીતિ અને છેતરપિંડીના જાળાને બહાર લાવી શકાય. પોલીસ તપાસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ વધી રહી છે.

Most Popular

To Top