ગાંધીનગર: મહેસાણા ખાતે યુવતી સંગીતા પટેલ સાથે બનેલી દુઃખદ ઘટનાના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પાટીદાર પ્રતિનિધિ મંડળે પીડિત પરિવારની મુલાકાત લઈને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. કોગ્રેસ પ્રતિનિધિ મંડળે પરિવારની વ્યથા સાંભળી અને આ કપરા સમયમાં તેમની સાથે અડગપણે ઉભા રહેવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કોગ્રેસના પ્રતિનિધિ મંડળના અગ્રણી ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું હતુ કે મહેસાણામાં યુવતી સંગીતા પટેલ સાથે બનેલી દુઃખદ ઘટનાની નિષ્પક્ષ, ઝડપી અને પારદર્શક તપાસ હાથ ધરી દોષિતો સામે કડક અને દૃષ્ટાંતરૂપ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. રજૂઆત કરતાં તેમણે પીડિત પરિવારને તાત્કાલિક આર્થિક સહાય, માનસિક આધાર અને ન્યાય મેળવવા માટે જરૂરી તમામ વહીવટી સહયોગ પૂરો પાડવાની માંગણી કરી હતી. માત્ર આશ્વાસનથી નહીં પરંતુ અસરકારક અને ઝડપી કાર્યવાહી દ્વારા જ પીડિત પરિવારને સાચો ન્યાય મળી શકે છે. જો સરકાર દ્વારા આ સંવેદનશીલ મામલે યોગ્ય અને સમયસર પગલાં લેવામાં નહીં આવે તો લોકશાહી માર્ગે પીડિત પરિવારની સાથે રહી ન્યાય માટે સશક્ત આંદોલન ચલાવવાની ફરજ પડશે. આ પ્રસંગે આગેવાનોએ પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ન્યાય માટેની લડતમાં કોંગ્રેસ પક્ષ સંપૂર્ણ સમર્થન આપશે તેવી ખાતરી આપી હતી.
પ્રદેશ કોગ્રેસના પ્રતિનિધિ મંડળમાં ડૉ. હિમાંશુ પટેલ, કોંગ્રેસ મહિલા પ્રમુખ ગીતાબેન પટેલ, કાઉન્સિલર અમિત પટેલ, એસપીજી પ્રમુખ સતીશ પટેલ, વિજાપુરના કૈવલ પટેલ તથા મહેસાણા મહિલા કોંગ્રેસ પ્રમુખ મેઘાબેન પટેલ સહિતના આગેવાનો સામેલ રહ્યા હતા.