ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોને મોટી રાહત આપતો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે સરકારી યોજનાઓ, પ્રમાણપત્રો, દાખલાઓ અને વિવિધ સેવાઓ માટે જરૂરી સોગંદનામાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ ફોર્મેટ અમલમાં મૂકવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યના કાયદા વિભાગે આ નવી વ્યવસ્થા જાહેર કરી છે. અત્યાર સુધી નાગરિકોને અલગ-અલગ સરકારી સેવાઓ માટે જુદા પ્રકારના એફિડેવિટ તૈયાર કરાવવા પડતા હતા. વિવિધ વિભાગો અને કચેરીઓમાં અલગ-અલગ લખાણ અને શરતોના કારણે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. ઘણી વખત માત્ર ફોર્મેટની ભૂલને કારણે અરજીઓ પરત મોકલવામાં આવતી હતી, જેના કારણે સમય અને નાણાં બંનેનો વ્યય થતો હતો.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે સમગ્ર રાજ્યમાં એકસમાન ‘યુનિવર્સલ એફિડેવિટ’ ફોર્મેટ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. નવા નિયમ મુજબ, જ્યાં કોઈ સરકારી સેવા માટે કાયદાકીય રીતે એફિડેવિટ જરૂરી હોય પરંતુ તેના માટે કોઈ ચોક્કસ અથવા વિશિષ્ટ ફોર્મેટ નક્કી કરવામાં આવ્યું ન હોય, ત્યાં આ યુનિવર્સલ એફિડેવિટનો ઉપયોગ કરી શકાશે. રાજ્યની તમામ જિલ્લા, તાલુકા, ગ્રામ્ય તેમજ શહેરી કક્ષાની સરકારી કચેરીઓમાં આ ફોર્મેટ માન્ય રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ વ્યવસ્થા માત્ર એકસરખા વહીવટ માટે જ નહીં, પરંતુ નાગરિકોને વધુ સુવિધા આપવા માટે પણ કરવામાં આવી છે. હવે લોકોને અલગ-અલગ કચેરીઓમાં અલગ ફોર્મેટ અંગે પૂછપરછ કરવાની જરૂર નહીં રહે. એક જ ધોરણસરના એફિડેવિટથી અનેક પ્રકારની સરકારી સેવાઓ માટેની પ્રક્રિયા સરળ બનશે.
રાજ્ય સરકાર દ્વારા આ ફોર્મેટને ડિજિટલ વ્યવસ્થામાં પણ સામેલ કરવામાં આવ્યું છે. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે પણ આ જ ફોર્મેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જેના કારણે ઓનલાઈન સેવાઓનો લાભ લેતા નાગરિકોને પણ એકસરખી અને સરળ પ્રક્રિયાનો લાભ મળશે. નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને કાયદા વિભાગે આ સત્તાવાર ફોર્મેટ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષાઓમાં ઉપલબ્ધ કરાવ્યું છે. પરિણામે ગ્રામ્ય વિસ્તારના લોકો સહિત દરેક વર્ગના નાગરિકો સરળતાથી તેનો ઉપયોગ કરી શકશે.
આ ઉપરાંત સરકારે એક મહત્વપૂર્ણ સ્પષ્ટતા પણ કરી છે. જે સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે એફિડેવિટ કરાવવું ફરજિયાત નથી, ત્યાં અગાઉની જેમ માત્ર ‘સ્વઘોષણા’ આપવાની જોગવાઈ યથાવત રહેશે. એટલે કે દરેક સેવા માટે એફિડેવિટ ફરજિયાત નહીં બને, પરંતુ જ્યાં તેની જરૂરિયાત હશે ત્યાં યુનિવર્સલ એફિડેવિટનો ઉપયોગ કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી વહીવટી પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, દસ્તાવેજી ગૂંચવણો ઘટશે અને અરજદારોનો સમય તેમજ ખર્ચ બંને બચશે. સાથે જ સરકારી કચેરીઓમાં પણ કામકાજ વધુ ઝડપી અને અસરકારક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત સરકારનો આ નિર્ણય ‘સરળ વહીવટ અને નાગરિક સુવિધા’ તરફનું વધુ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી લાખો નાગરિકોને સીધો લાભ મળશે.