ડિજીટલ ઇન્ડિયા અને ડિજીટલ ગુજરાતના મોટા મોટા દાવાઓ વચ્ચે ગુજરાતના ટ્રાન્સપોર્ટ વિભાગની સત્તાવાર RTO વેબસાઇટની હાલત સામે આવતા સરકારના હાઇ-ટેક શાસન પર સવાલો ઊભા થયા છે. એક તરફ સરકાર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા ગવર્નન્સ અને સ્માર્ટ એડમિનિસ્ટ્રેશનની વાતો કરે છે, ત્યારે બીજી તરફ સામાન્ય લોકો માટે સૌથી વધુ ઉપયોગી ગણાતી ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ વર્ષો જૂની માહિતી પર ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. ચોંકાવનારી વાત એ છે કે મે 2026 ચાલી રહ્યું હોવા છતાં વેબસાઇટના ફૂટરમાં હજુ પણ Copyright ©2023 દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે છેલ્લા ત્રણ વર્ષથી વેબસાઇટમાં યોગ્ય અપડેટ ન થયા હોવાની ચર્ચા શરૂ થઈ છે. ટેક્નોલોજીના યુગમાં, જ્યાં માહિતી દરરોજ બદલાઈ રહી છે, ત્યાં પરિવહન વિભાગ જેવી મહત્વપૂર્ણ સરકારી સેવા જૂના ડેટા પર ચાલતી હોવું અનેક સવાલો ઊભા કરે છે.
RTO અને ARTO કચેરીઓના સંપર્ક માટે વેબસાઇટ પર હજુ પણ જૂની PDF ફાઇલો જ ઉપલબ્ધ છે. વિભાગમાં થયેલા નવા ફેરફારો, અધિકારીઓની વિગતો અથવા અપડેટેડ માહિતી વેબસાઇટ પર સરળતાથી મળતી નથી. જેના કારણે નાગરિકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ, વાહન રજીસ્ટ્રેશન અને અન્ય ઓનલાઈન સેવાઓ માટે રાજ્યની વેબસાઇટ સીધી કેન્દ્ર સરકારના ‘પરિવહન’ પોર્ટલ પર રીડાયરેક્ટ કરે છે. એટલે રાજ્યની પોતાની વેબસાઇટ માત્ર નામ પૂરતી જ સક્રિય હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. વેબસાઇટની ડિઝાઇન અને યૂઝર ઇન્ટરફેસ પણ ખૂબ જ જૂની અને અસુવિધાજનક માનવામાં આવી રહી છે.
ફેબ્રુઆરી 2026માં રાજ્ય સરકાર દ્વારા ‘એથિકલ AI’ અને ‘ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક’ જેવી મોટી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટની હાલત સરકારના ડિજીટલ મોડલ સામે જ સવાલ ઉભો કરે છે. જો સામાન્ય જનતાને સીધી અસર કરતી વેબસાઇટ પણ સમયસર અપડેટ ન થઈ શકતી હોય, તો હાઇ-ટેક શાસનના દાવાઓ માત્ર ભાષણો સુધી મર્યાદિત રહી જાય તેવી ટીકા થઈ રહી છે. હાલની સ્થિતિ જોતા ગુજરાત ટ્રાન્સપોર્ટ વિભાગની વેબસાઇટ માત્ર એક ‘ઓનલાઇન નોટિસ બોર્ડ’ બની ગઈ હોય તેવી ચર્ચા છે. નિષ્ણાતોનું માનવું છે કે જો સરકાર ખરેખર ડિજીટલ લીડર બનવા માંગતી હોય, તો માત્ર ઓનલાઈન સેવા શરૂ કરવી પૂરતી નથી. લોકો માટે સરળ, ઝડપી, અપડેટેડ અને વિશ્વસનીય ડિજીટલ સિસ્ટમ તૈયાર કરવી પણ એટલી જ જરૂરી છે.