Gujarat

ID પ્રૂફ ન હોવાથી કીર્તિદાન ગઢવીને મતદાન કરતા અટકાવાયા, આખરે તેમણે..

રાજકોટ: (Rajkot) કીર્તિદાન ગઢવી (Kirtidan Gadhvi) ગુજરાતના મતદાન જાગૃતિ કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર છે. માધાપર તાલુકા શાળા ખાતે તેઓ મતદાન મથકે મતદાન અધિકારીનો ઉપયોગ કરવા ગયા હતા. પરંતુ તેમની પાસે આઈડી પ્રૂફ (ID Proof) ન હોવાને કારણે તેઓને મતદાન કરવા દેવાયું ન હતું. સોફ્ટ કોપીને (Soft Copy) મતદાન બૂથના અધિકારીઓ દ્વારા માન્ય ગણવામાં ન આવી હતી. આખરે આધાર કાર્ડની હાર્ડકોપી રજૂ કર્યા બાદ તેમને મતદાન કરવા દેવાયું હતું. આ ઘટના બાદ લોકો દ્વારા એવી ચર્ચા કરવામાં આવી રહી છે કે ચૂંટણી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે તે સરાહનીય બાબત છે. સામાન્ય માનવી હોય કે સેલિબ્રીટી નિયમ દરેક માટે સરખા રાખવામાં આવ્યા છે. બીજી તરફ કીર્તિદાન ગઢવીએ કહ્યું હતું કે આ વાત વડાપ્રધાન મોદી (PM Modi) સુધી પહોંચવી જોઈએ. તેઓ ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે પરંતુ મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ કોપી માન્ય રાખવામાં આવી નહીં તે દુખદ બાબત છે.

ગુજરાતમાં ગુરુવારે વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન કરાયું હતું. જાણીતા લોકગાયક અને ગુજરાતના મતદાન કેમ્પેનના બ્રાન્ડ-એમ્બેસેડર કીર્તિદાન ગઢવી પણ મતદાન કરવા પહોંચ્યા હતા. જોકે તેઓને મતદાન કરતાં અટકાવવામાં આવ્યા હતા. તેમની પાસે આધારકાર્ડની હાર્ડકોપી ન હોવાથી પ્રિસાઇડિંગ ઓફિસરે તેમને વોટિંગ કરવા દીધું ન હતું. કીર્તિદાન ગઢવીએ એવી દલીલ કરી હતી કે તેની પાસે આધારકાર્ડની ડિજિટલ કોપી છે છતાં પણ તેમને પોણો કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હતા. ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે ન હોવાના કારણે આખરે ઝેરોક્સ કોપીમાં સહી કરીને તેમણે ચૂંટણી અધિકારીને રજૂ કરી હતી. એ બાદ માધાપર તાલુકા શાળા ખાતે તેમણે મતદાન કર્યું હતું.

મોદી સાહેબના ડિજિટલ ઇન્ડિયાનો અમલ ન થયો
આધાર કાર્ડની કોપી રજૂ કર્યા બાદ મતદાન કરવા દેવામાં આવતા ગઢવીએ પોતાનો બળાપો કાઢ્યો હતો. તેમણે કહ્યું કે મેં 45 મિનિટ સુધી મતદાન માટે રાહ જોઈ. મારી પાસે આધારકાર્ડની હાર્ડકોપી ન હતી. જોકે તેની ડિજિટલ કોપી હતી છતાં પણ ચૂંટણીતંત્રમાં ફરજ પર હાજર કર્મચારીઓ મને મત આપતા અટકાવ્યો હતો. સોફ્ટ કોપી માન્ય ન રખાતા કીર્તિદાન ગઢવીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સાહેબ હંમેશા ડિજિટલ ઇન્ડિયાની વાતો કરે છે. ડિજિટલ ડોક્યુમેન્ટ માન્ય રાખવાની વાતો કરવામાં આવે છે. ત્યારે મતદાનની પ્રક્રિયામાં જ ડિજિટલ ઇન્ડિયાનો અમલ થયો નથી.

તેમણે કહ્યું કે મારી ચૂંટણી ફરજ પર હાજર અધિકારીઓને અપીલ છે કે તેઓ મોદીસાહેબ સુધી આ વાત પહોંચાડે. આ રીતે તો ભારતમાં ડિજિટલ ઇન્ડિયાનું કેમ્પેન ક્યારેય સફળ નહીં થાય. તેમણે કહ્યું કે જો કોઈ સેલિબ્રિટીને આટલીવાર સુધી રાહ જોવી પડતી હોય તો જે નવા મતદારો છે જે જીવનમાં પ્રથમવાર મતદાન કરવા માટે આવે છે તેમનું ડિજિટલ પ્રૂફ માન્ય નહીં રાખવામાં આવે તો તેઓ કઈ રીતે મતદાન કરશે.

Most Popular

To Top