SURAT

સુરત ભાજપમાં નિરીક્ષકોનો ધમધમાટ

કાર્યકર્તાઓના અવાજ પરથી નક્કી થશે ઉમેદવારો

સુરત શહેરના રાજકીય વાતાવરણમાં આજે ખાસ ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે શહેર ભાજપમાં નિરીક્ષકોની મહત્વપૂર્ણ મુલાકાત શરૂ થઈ છે. સંગઠન સ્તરે ભારે હલચલ વચ્ચે આ બેઠકને લઈને કાર્યકર્તાઓમાં પણ ઉત્સાહ અને ઉત્કંઠા બંને જોવા મળી રહ્યા છે. લોકતાંત્રિક પરંપરાને મજબૂત બનાવવાના હેતુસર દરેક કાર્યકર્તાનો અવાજ સાંભળવા માટે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રદેશ ભાજપ દ્વારા બ્રહ્મભટ્ટ, મયુર રાવલ અને જાનવી વ્યાસને નિરીક્ષક તરીકે નિમવામાં આવ્યા છે.

આ નિરીક્ષકો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનની આંતરિક સ્થિતિ અને કાર્યકર્તાઓના મંતવ્યોને નજીકથી સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંદાજે 200 થી 250 જેટલા પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે રૂબરૂ ચર્ચા યોજાનાર છે, જેમાં દરેક સ્તરનું પ્રતિનિધિત્વ જોવા મળશે.આ બેઠકમાં કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ તેમજ અન્ય કાર્યકર્તાઓ પોતાની વાત નિર્ભયતાથી રજૂ કરી શકશે. સાથે જ શહેરના ધારાસભ્યો અને સાંસદો પણ પોતાના અભિપ્રાયો નિરીક્ષકો સમક્ષ રજૂ કરશે.

ખાસ વાત એ છે કે દરેક કાર્યકર્તાને અલગથી બોલાવીને તેમની પાસેથી તટસ્થ અભિપ્રાય અને સૂચનો લેવામાં આવશે, જેથી સંગઠનના વાસ્તવિક સ્થિતિનો અંદાજ મળી શકે. આ તમામ મંતવ્યોના આધારે નિરીક્ષકો દ્વારા વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, જે બાદમાં પ્રદેશ અધ્યક્ષ સમક્ષ રજૂ થશે. આ રિપોર્ટને આધારે અંતિમ નિર્ણય લેવામાં આવશે. ખાસ કરીને ઉમેદવાર પસંદગીમાં ક્ષમતા, વિકાસના કામો અને શહેરના મુખ્ય મુદ્દાઓને મહત્વપૂર્ણ માપદંડ બનાવવામાં આવશે. આ પ્રક્રિયા દ્વારા ભાજપ સંગઠનને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જે આવનારી ચૂંટણીમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Most Popular

To Top