બહારથી પાણીની બોટલ અને નાસ્તા પર પ્રતિબંધ, અંદર પ્લાસ્ટિકમાં જ ધમધમતો વેપાર
સ્વચ્છતાના નામે જનતાને હેરાનગતિનો આક્ષેપ, તંત્રના બેવડા ધોરણો સામે ઉઠ્યો વિરોધ
(પ્રતિનિધિ) વડોદરા
વડોદરાના ઐતિહાસિક અને લોકપ્રિય સયાજી બાગમાં અમલમાં મુકાયેલા ‘પ્લાસ્ટિક પ્રતિબંધ’ના નિર્ણયને લઈને નવો વિવાદ ઊભો થયો છે. સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણના નામે બાગમાં પ્રવેશતા મુલાકાતીઓ માટે બહારથી લાવવામાં આવતા નાસ્તાના પડીકા, છાસની થેલીઓ અને પાણીની પ્લાસ્ટિક બોટલો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, આ નિર્ણયને લઈને સ્થાનિક નાગરિકો અને પર્યટકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
મુલાકાતીઓના જણાવ્યા મુજબ, બાગના પ્રવેશદ્વાર પર ચેકિંગ દરમિયાન તેમની પાસે રહેલી પાણીની બોટલો અને અન્ય ખાદ્ય સામગ્રી બહાર મુકાવી દેવામાં આવે છે. જેના કારણે ખાસ કરીને કાળઝાળ ગરમીમાં નાના બાળકો અને વડીલો સાથે આવતા પરિવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
વિવાદનું મુખ્ય કારણ તંત્રના કથિત બેવડા ધોરણો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક તરફ બહારથી પ્લાસ્ટિકની વસ્તુઓ લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે બીજી તરફ બાગની અંદર પાલિકાના લાયસન્સ ધરાવતા ખાણી-પીણીના સ્ટોલ પર પ્લાસ્ટિકની પાણીની બોટલો, છાસ અને અન્ય પેકિંગવાળી વસ્તુઓનું વેચાણ બેરોકટોક ચાલુ હોવાનું મુલાકાતીઓ જણાવી રહ્યા છે.
આ અંગે નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સયાજી બાગને ખરેખર પ્લાસ્ટિકમુક્ત બનાવવાનો હેતુ હોય તો અંદરના વેપારીઓ માટે અલગ નિયમો કેમ? બહારથી પાણી લાવવા પર પ્રતિબંધ મૂકીને લોકોને અંદરના સ્ટોલ પરથી મોંઘા ભાવે પાણી અને નાસ્તો ખરીદવા મજબૂર કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
સ્થાનિક સહેલાણીઓનું કહેવું છે કે સ્વચ્છતા અને પર્યાવરણ જાળવવાના નિયમોનું સ્વાગત છે, પરંતુ તે નિયમો દરેક માટે સમાન હોવા જોઈએ. માત્ર સામાન્ય મુલાકાતીઓ પર નિયંત્રણ અને અંદરના વેપારીઓને છૂટછાટ આપવાથી તંત્રની નીતિ સામે પ્રશ્નો ઊભા થયા છે.
સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા ગરમાઈ છે. અનેક નાગરિકોએ તંત્રને નિર્ણયની સમીક્ષા કરી, બાગમાં લાગુ કરાયેલા નિયમોમાં પારદર્શિતા લાવવા અને તમામ માટે એકસરખા નિયમો અમલમાં મૂકવાની માંગ કરી છે. હવે તંત્ર આ વિરોધને ધ્યાનમાં લઈને કોઈ સ્પષ્ટતા કરે છે કે નીતિમાં ફેરફાર કરે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.