SURAT

સુરત મનપાનાં ₹11,000 કરોડના વહિવટ માટે ‘જો અને તો’નાં રાજકીય સમીકરણ

મેયર પદ માટે પાટીદાર અને સુરતી મહિલા કોર્પોરેટરો વચ્ચે જોરદાર દાવેદારી

સુરત મહાનગર પાલિકાની તાજેતરની ચૂંટણીમાં ભાજપે મેળવેલી જીતનો ઉન્માદ હજુ શમ્યો નથી, ત્યાં હવે મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ અને પક્ષ નેતા જેવા મહત્વના પદો મેળવવા કોર્પોરેટરો વચ્ચે રાજકીય દોડ શરૂ થઈ ગઈ છે. ટિકિટ અપાવીને જીતાડનાર રાજકીય ગોડફાધરો સમક્ષ ફરી એકવાર દાવેદારો પોતાના પક્ષમાં વાતાવરણ ઉભું કરવા સક્રિય બન્યા છે.

આ વખતે મનપાનું મેયર પદ પ્રથમ ટર્મ માટે સામાન્ય વર્ગની મહિલા માટે અનામત હોવાથી ભાજપના મોવડી મંડળ દ્વારા જ્ઞાતિ, વિસ્તાર અને આગામી વિધાનસભા ચૂંટણીના રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને પસંદગી થવાની શક્યતા છે.
પાટીદાર સમાજને પ્રાધાન્ય આપવાની રાજકીય સંભાવના,વર્ષ 2015ની પાટીદાર અનામત આંદોલન બાદ યોજાયેલી ચૂંટણીમાં પાટીદાર મતદારો કોંગ્રેસ તરફ વળ્યા હતા અને કોંગ્રેસને 36 બેઠકો મળી હતી. ત્યારબાદ 2021માં આ જ પાટીદાર મતદારો આમ આદમી પાર્ટી તરફ વળતા ભાજપને નુકસાન થયું હતું.

હવે લગભગ 10 વર્ષ પછી વરાછા વિસ્તારના પાટીદારોએ ફરી ભાજપને સમર્થન આપતાં ચાર મુખ્ય પદોમાં પાટીદાર સમાજને પ્રાધાન્ય આપવાની રાજકીય સ્થિતિ ઉભી થઈ છે. આ પરિસ્થિતિમાં કાવ્યા અલ્પેશ કથિરિયાનું નામ સૌથી મજબૂત દાવેદાર તરીકે સામે આવી રહ્યું છે. તેઓ અગાઉ કનકપુર-કનસાડ નગરપાલિકાના ઉપપ્રમુખ રહી ચૂક્યા હોવાથી શાસનનો અનુભવ પણ ધરાવે છે.

સુરતી મહિલા ઉમેદવારો પણ મેદાનમાં
જો મેયર પદ સુરતી મહિલા કોર્પોરેટરને આપવાનો નિર્ણય લેવાય તો ઉર્વશી પટેલ, પ્રતિભા દેસાઈ અને નેન્સી શાહનાં નામો ચર્ચામાં છે. રાજકીય પરંપરા મુજબ મેયર અને સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ સામાન્ય રીતે સૌરાષ્ટ્ર અને સુરતી નેતાઓ વચ્ચે વહેંચાતા આવ્યા છે.ઉર્વશી પટેલ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગૃહ રાજ્યમંત્રીના પરિવાર સાથે જોડાયેલા હોવાને કારણે તેમની દાવેદારી પણ મજબૂત માનવામાં આવે છે.

સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે પણ જોરદાર સ્પર્ધા
જો સુરતી મહિલા મેયર તરીકે પસંદ થાય તો સ્થાયી સમિતિ અધ્યક્ષપદ માટે દક્ષેશ માવાણી મજબૂત દાવેદાર બની શકે છે. પરંતુ જો પાટીદાર મહિલા મેયર બને તો ત્યારબાદ આ પદ માટે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટિલના જૂથ વચ્ચે સ્પર્ધા વધુ તેજ બની શકે છે.

આ સંજોગોમાં નીચેના નામો ચર્ચામાં છે:
હિમાંશુ રાઉલજી
વ્રજેશ ઉનડકટ
અમિતસિંહ રાજપુત
રાજન પટેલ

રાજકીય સમીકરણોને ધ્યાનમાં લેતાં મનપાના આશરે ₹11,000 કરોડના વહિવટનો કંટ્રોલ કયા જૂથને મળશે તે પણ મહત્વનો મુદ્દો બની રહ્યો છે.અસંતોષ દૂર કરવા પદ વહેંચણીનું સમીકરણ પણ શક્ય, રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે સૌરાષ્ટ્રવાસી કોર્પોરેટરને ભુતકાળની જેમ ડેપ્યુટી મેયર પદ આપીને સંતોષી દેવામાં આવે તો મેયર, સ્થાયી સમિતિ અધ્યક્ષ પદ હર્ષ સંઘવી અને સી.આર. પાટિલના જૂથ વચ્ચે વહેંચીને આંતરિક અસંતોષ ઘટાડવાનો પ્રયાસ થઈ શકે છે. આ કારણે હાલ મનપાના મુખ્ય ચાર પદોને લઈને ભાજપની અંદર જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે અને અંતિમ નિર્ણય માટે સૌની નજર મોવડી મંડળ તરફ છે.

Most Popular

To Top