રિસર્ચ ટ્રાયલને લઈને વિવાદ: યુવાને ગંભીર આક્ષેપો કર્યા, સંસ્થાએ ફગાવ્યા
પોલીસ કાર્યવાહી અને રિસર્ચ પ્રક્રિયા અંગે ઉઠ્યા પ્રશ્નો, સંસ્થાનો દાવો – ‘તમામ આરોપો પાયાવિહોણા’
(પ્રતિનિધિ) વડોદરા
વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલી એક રિસર્ચ સંસ્થા સામે દવાની ક્લિનિકલ ટ્રાયલ પ્રક્રિયાને લઈને ગંભીર વિવાદ ઊભો થયો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના એક યુવાને સંસ્થા સામે ટ્રાયલ દરમિયાન થયેલી હેરાનગતિ, આરોગ્ય સંબંધિત તકલીફો અને નિયમોના ભંગના આક્ષેપો સાથે વહીવટી તંત્ર અને પોલીસ સમક્ષ રજૂઆત કરી છે. જોકે સંસ્થાએ તમામ આરોપોને નકારી કાઢતાં પોતે નિયમો મુજબ કામગીરી કરતી હોવાનો દાવો કર્યો છે.

યુવાનના જણાવ્યા અનુસાર, તે બ્લડ પ્રેશરની દવા સંબંધિત સંશોધન પ્રક્રિયામાં ભાગ લેવા વડોદરા આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન તેને શારીરિક અને માનસિક તકલીફોનો સામનો કરવો પડ્યો હોવાનું તેણે આક્ષેપ કર્યો છે. વધુમાં, રિસર્ચ પ્રક્રિયા બંધ કરવાની ઇચ્છા વ્યક્ત કરવા છતાં તેના પર દબાણ કરાયું હોવાનો પણ તેણે દાવો કર્યો છે. ટ્રાયલ બાદ પોતાની તબિયત બગડતા તેણે પોલીસ અને સંબંધિત તંત્ર સમક્ષ ફરિયાદ નોંધાવી ન્યાયની માંગ કરી છે.

પીડિત યુવાને રિસર્ચ પ્રક્રિયામાં ભાગ લેનાર અન્ય કેટલાક લોકો પર પણ નિયમો વિરુદ્ધ વારંવાર ટ્રાયલ કરાતી હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ, પોતાની ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી ન થઈ હોવા અંગે પોલીસની ભૂમિકા પર પણ સવાલો ઉઠાવ્યા છે.
બીજી તરફ, આક્ષેપો અંગે પ્રતિસાદ આપતા સંસ્થાના પ્રતિનિધિ મલ્લિકા ખન્નાએ જણાવ્યું હતું કે યુવાન દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો ખોટા અને પાયાવિહોણા છે. તેમણે દાવો કર્યો હતો કે સંસ્થા પાસે પોતાની કામગીરીને સમર્થન આપતા પૂરતા પુરાવા ઉપલબ્ધ છે અને તમામ પ્રક્રિયાઓ નિયમો અનુસાર જ હાથ ધરવામાં આવે છે.

હાલ સમગ્ર મામલો આક્ષેપ અને પ્રતિઆક્ષેપના તબક્કે હોવાથી સંબંધિત તંત્રની તપાસ બાદ જ હકીકતો સ્પષ્ટ થઈ શકશે. બંને પક્ષોના દાવાઓ વચ્ચે હવે સૌની નજર સંભવિત તપાસ અને તેના પરિણામો પર ટકેલી છે.