પૂરઝડપે આવતી કાર બસમાં ઘૂસી જતાં 5 ઇજાગ્રસ્ત, કારનો આગળનો ભાગ ચકનાચૂર
સાળંગપુર દર્શને જતાં મુસાફરોનો ચમત્કારિક બચાવ, મોટી જાનહાનિ ટળી
(પ્રતિનિધિ) ડભોઇ/ વડોદરા, તા.31
ડભોઇથી સાળંગપુર જતી એસ.ટી. બસ અને કિયા કાર વચ્ચે કાયાવરોહણ નજીક સર્જાયેલા ગંભીર અકસ્માતમાં પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં ભારે અરેરાટી ફેલાઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો. જોકે સદનસીબે બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરોનો આબાદ બચાવ થતાં મોટી જાનહાનિ ટળી હતી.
મળતી માહિતી મુજબ, ડભોઇ ડેપોમાંથી સાળંગપુર તરફ જતી એસ.ટી. બસ કાયાવરોહણ નજીક જી.ઈ.બી. સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી. તે દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી કિયા કારના ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવતા કાર સીધી બસના આગળના ભાગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અકસ્માતમાં કારમાં સવાર પાંચેય લોકોને સામાન્યથી મધ્યમ ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને બહાર કાઢી 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર છે.
કષ્ટભંજન દેવના દર્શને જવા નીકળેલા બસના મુસાફરો માટે આ ઘટના મોટો આંચકો સાબિત થઈ હતી. ટક્કર બાદ થોડા સમય માટે બસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ કોઈ મુસાફરને ગંભીર ઇજા ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. મુસાફરોએ આબાદ બચાવને દૈવી કૃપા ગણાવી હતી.
ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તાની સાઇડમાં ખસેડી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં વધુ ઝડપ અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટર : સઈદ મન્સૂરી