Kalol

ગૌચર જમીન પર ખનિજ માફિયાઓનું રાજ ? મેદાપુરમાં રાત્રીના ગેરકાયદેસર ખોદકામનો આક્ષેપ

20 ફૂટ સુધી માટી ઉલેચાઈ હોવાનો દાવો, સરપંચે મામલતદારને કરી લેખિત ફરિયાદ
પશુઓના ચરિયાણ માટે અનામત જમીનને નુકસાન પહોંચાડાતા ગ્રામજનોમાં રોષ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ

કાલોલ, તા. 01 જૂન, 2026
કાલોલ તાલુકાના મેદાપુર ગામે ગૌચર જમીનમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગામના નમ્રરા ફળિયા વિસ્તારમાં આવેલી સર્વે નં. 453ની ગૌચર જમીનમાં ખનિજ માફિયાઓ દ્વારા નિયમોનો ભંગ કરીને માટીનું ખોદકામ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ મેદાપુર ગ્રામ પંચાયતના સરપંચ અતુલભાઈ દ્વારા કાલોલ મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત મારફતે કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, રોયલટીની આડમાં છેલ્લા એક મહિનાથી વધુ સમયથી ગૌચર જમીનમાં સતત ખોદકામ ચાલી રહ્યું છે. ખાસ કરીને રાત્રીના સમયે ભારે મશીનોની મદદથી આશરે 20 ફૂટ જેટલી ઊંડાઈ સુધી માટી ખોદી કાઢવામાં આવી હોવાનું સરપંચે આક્ષેપ કર્યો છે.
સરપંચ અતુલભાઈના જણાવ્યા અનુસાર, ગૌચર જમીન પશુઓના ચરિયાણ માટે અનામત રાખવામાં આવી હોવા છતાં કેટલાક તત્વો દ્વારા નિયમોને નેવે મૂકી જમીનનું નુકસાન કરવામાં આવી રહ્યું છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે સરકારી સંપત્તિને નુકસાન થવાની સાથે ગ્રામજનોમાં પણ ભારે રોષ ફેલાયો છે.
આથી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા, ગેરકાયદેસર ખોદકામ તાત્કાલિક બંધ કરાવવા તેમજ ગૌચર જમીનને પૂર્વવત્ સ્થિતિમાં લાવવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે.
હવે આ ગંભીર આક્ષેપોને લઈને તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સ્થાનિક ગ્રામજનોની નજર મંડાઈ છે.

રિપોર્ટર : વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top