Vadodara

વડોદરામાં નાટ્યજગતમાં ખળભળાટ: સ્ક્રિપ્ટ ચોરીના આક્ષેપ સાથે દિગ્દર્શક સામે કોર્ટમાં ફોજદારી અરજી

નાટકનું નામ બદલી કમાણી કર્યાનો આક્ષેપ, ફિલ્મમાં પણ ગેરકાયદે ઉપયોગની ફરિયાદ

કોર્ટના અગાઉના મનાઈ હુકમ છતાં પ્રવૃત્તિ ચાલુ રાખ્યાનો આક્ષેપ
વડોદરા, તા. ૨
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતા નિવૃત્ત નાટ્યકાર વિહંગ બળદેવભાઈ મહેતા દ્વારા દિગ્દર્શક સુરેશ રાજડા સામે સ્ક્રિપ્ટ ચોરી, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગંભીર આક્ષેપો સાથે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી અરજી દાખલ કરવામાં આવી છે.
ફરિયાદ અનુસાર વર્ષ 1999–2000 દરમિયાન “અમે જાણીએ છીએ તમે કોણ છો” નામનું નાટક મંચન માટે આરોપીને આપવામાં આવ્યું હતું, જેમાં તેણે દિગ્દર્શન તથા અભિનય કર્યો હતો. ત્યારબાદ આ જ સ્ક્રિપ્ટનો ગેરકાયદેસર ઉપયોગ કરીને “ડાયલ રોંગ નંબર” નામથી નાટક રજૂ કરી ટિકિટ શો દ્વારા કમાણી કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સ્ક્રિપ્ટ પરથી ફિલ્મ પણ બનાવાઈ હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે આરોપીએ પૂર્વ મંજૂરી વિના અન્ય નાટકોની સ્ક્રિપ્ટ પણ મેળવી અને નક્કી કરેલી શરતોનું ઉલ્લંઘન કર્યું હતું. વર્ષ 2012માં દાખલ થયેલા કેસમાં કોર્ટ દ્વારા મનાઈ હુકમ આપવામાં આવ્યો હોવા છતાં પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવી હોવાનું પણ આક્ષેપ છે.
વર્ષ 2024માં સંબંધિત ફિલ્મ જોતા પોતાની સ્ક્રિપ્ટ સાથે સમાનતા જણાતા લેખકે પોલીસમાં રજૂઆત કરી હતી, પરંતુ કાર્યવાહી ન થતાં અંતે કોર્ટનો આશરો લેવાયો હોવાનું જણાવ્યું છે. ફરિયાદી દ્વારા કૉપિરાઇટ કાયદાનો ભંગ અને છેતરપિંડીના ગુનાઓ નોંધવાની માંગ સાથે યોગ્ય કાયદેસર કાર્યવાહી કરવાની અપીલ કરવામાં આવી છે. હવે કોર્ટ પુરાવા અને દલીલોના આધારે આગળની કાર્યવાહી કરશે.

Most Popular

To Top