બે-ત્રણ મહિનાથી સિલિન્ડર ન મળ્યાની ફરિયાદ, ગ્રાહકોમાં ભારે રોષ
એજન્સી સામે ઉઠ્યા સવાલો, ગ્રાહકો અને વિતરણકારો વચ્ચે ઘર્ષણ
(પ્રતિનિધિ) સંજેલી
સંજેલી તાલુકામાં ઇન્ડિયન ગેસ એજન્સી દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના વિતરણ દરમિયાન ફરી એકવાર અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા હતા. લાંબા સમયથી ગેસ સિલિન્ડર ન મળતા ગ્રાહકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સિલિન્ડર મેળવવા માટે ઉમટી પડેલી ભીડ વચ્ચે ગ્રાહકો તથા વિતરણકારો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું.
મળતી માહિતી મુજબ, ગેસ સિલિન્ડર ભરેલી ટ્રક એજન્સી ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ લેવા માટે એકત્ર થયા હતા. સંજેલી મામલતદારની ઉપસ્થિતિમાં ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને સિલિન્ડર વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે નગર વિસ્તારમાં વિતરણ માટે અલગ વાહન મોકલવામાં આવ્યું હતું. જોકે સિલિન્ડર મેળવવા માટે ગ્રાહકોમાં ભારે દોડધામ અને પડાપડી જોવા મળી હતી.

ગ્રાહકોનો આક્ષેપ છે કે કેટલાક લોકોને બે થી ત્રણ મહિના સુધી સિલિન્ડર મળ્યા નથી. ચોપડી અને ખાલી બોટલો એજન્સીમાં જમા કરાવી હોવા છતાં વારંવાર ધક્કા ખાવા પડે છે. જેના કારણે લોકોમાં ભારે નારાજગી વ્યાપી છે.

એજન્સીના મેનેજર મુક્જમીનભાઈએ જણાવ્યું હતું કે વિતરણ દરમિયાન કેટલાક ગ્રાહકો વચ્ચે પહેલા સિલિન્ડર મેળવવાની હોડને કારણે બોલાચાલી અને ઘર્ષણ સર્જાયું હતું, જેને બાદમાં શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગ્રાહક રમેશભાઈ મહારાજે જણાવ્યું હતું કે લાંબા સમયથી ગેસ ન મળતાં સામાન્ય પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે.
રિપોર્ટર: કપિલ સાધુ