તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પર આજે શારીરિક હુમલો કરવામાં આવ્યો હતો. સોનારપુરમાં અચાનક એક ટોળાએ અભિષેક પર હુમલો કર્યો; આ ઘટના દરમિયાન તેમના કપડાં ફાટી ગયા હતા અને તેમના પર થપ્પડ અને લાતોનો મારો ચલાવવામાં આવ્યો હતો. તેમના પર ઇંડા પણ ફેંકવામાં આવ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જે મમતા બેનર્જીએ પોતે શેર કર્યો છે. આ હુમલા અંગે મમતાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે.
મમતા બેનર્જીએ શું કહ્યું?
અભિષેક બેનર્જી પર હુમલાનો વીડિયો શેર કરતા મમતા બેનર્જીએ લખ્યું, “શાસકો ખૂની બની ગયા છે – ભાજપ માટે શરમજનક.”
સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે હુમલાની નિંદા કરી
આ હુમલાની નિંદા કરતા સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે તેમના X હેન્ડલ પર જણાવ્યું: “બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના મુખ્ય નેતા શ્રી અભિષેક બેનર્જી પર જીવલેણ હુમલો કરીને રાજ્યમાં અરાજક ભાજપ સરકારે સાબિત કર્યું છે કે ભાજપ દ્વેષપૂર્ણ, નકારાત્મક અને હિંસક રાજકારણમાં જોડાવા સિવાય બીજું કંઈ કરી શકવા સક્ષમ નથી. આવા સંવેદનશીલ વાતાવરણમાં પણ પોલીસ સુરક્ષાનો અભાવ એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. અત્યંત નિંદનીય!”
કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પણ હુમલાની નિંદા કરી
આ હુમલાની નિંદા કરતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ તેમના X હેન્ડલ પર લખ્યું: “સોનારપુરમાં સાંસદ અભિષેક બેનર્જી પર હુમલો. જ્યારે તેઓ બંગાળમાં હિંસાથી પ્રભાવિત લોકોના પરિવારોને મળવા જઈ રહ્યા હતા તે નિંદનીય છે. એક અગ્રણી વિપક્ષી નેતાને પૂરતું પોલીસ રક્ષણ પૂરું પાડવામાં ઇરાદાપૂર્વક નિષ્ફળતા ભાજપની બદલો લેવાની અને ઉત્પીડનની રાજનીતિનો પુરાવો છે. પશ્ચિમ બંગાળ સરકાર અને કેન્દ્ર સરકારે તમામ વિપક્ષી નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઈએ અને આવા હુમલાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. રાજકીય મતભેદો ક્યારેય કોઈપણ પ્રકારની હિંસાને યોગ્ય ઠેરવી શકે નહીં.”
તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ’બ્રાયને ગૃહમંત્રી પાસેથી જવાબ માંગ્યો
તૃણમૂલ કોંગ્રેસના નેતા ડેરેક ઓ’બ્રાયને કહ્યું, “બંગાળમાં હાલમાં શું થઈ રહ્યું છે? બીજા ક્રમના સૌથી મોટા વિપક્ષી પક્ષ ટીએમસીના લોકસભા નેતા ચૂંટણી પછીની હિંસા દરમિયાન ભાજપ દ્વારા માર્યા ગયેલા વ્યક્તિના પરિવારને મળવા ગયા હતા. અભિષેક પર ભાજપ સમર્થકોએ હુમલો કર્યો હતો. તેમનો જીવ જોખમમાં છે. પોલીસ ક્યાં છે? મત ગણતરીના દિવસે સુરક્ષા કેમ પાછી ખેંચી લેવામાં આવી? ગૃહમંત્રીએ જવાબ આપવો જોઈએ.”