Bodeli

વાવાઝોડાનું તાંડવ: જબુગામ પાસે વીજ વાયર તૂટતા રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ

મધરાત્રે ફૂંકાયેલા ભારે પવનથી રેલવે ટ્રેક પર વાયર અને વૃક્ષની ડાળી પડી
ખેડૂતોને પણ ફટકો, કેળના પાકમાં 40 ટકા સુધી નુકસાનની આશંકા

(પ્રતિનિધિ) બોડેલી
છોટાઉદેપુર જિલ્લામાં મધરાત્રે ફૂંકાયેલા ભારે પવન અને વાવાઝોડાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. જબુગામ નજીક રેલવે ટ્રેક ઉપર પસાર થતી વીજ લાઇનનો વાયર તૂટી પડતાં તેમજ ટ્રેક પર વૃક્ષની ડાળી પડતાં રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, મોડી રાત્રે અચાનક આવેલા વાવાઝોડાના કારણે જબુગામ પાસે રેલવે ટ્રેક પર વીજ પુરવઠાની લાઇનને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ વૃક્ષની મોટી ડાળી પણ ટ્રેક પર પડી જતાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. ઘટનાની જાણ થતાં રેલવે વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મરામતની કામગીરી હાથ ધરી હતી.

બીજી તરફ વાવાઝોડાએ જિલ્લાના ખેડૂતોને પણ મોટો ફટકો પહોંચાડ્યો છે. ખાસ કરીને કેળના પાકને ભારે નુકસાન થયું હોવાનું પ્રાથમિક અંદાજ છે. અનેક વિસ્તારોમાં કેળના છોડ ધરાશાયી થતાં ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ કેળના પાકમાં અંદાજે 40 ટકા સુધી નુકસાન થયું હોવાની શક્યતા છે.

વાવાઝોડાની અસરથી જિલ્લાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો અને સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

રિપોર્ટર : ઝહીર સૈયદ

Most Popular

To Top