કુલપતિ-રજિસ્ટ્રાર સહિત હજારો લોકોની અવરજવર ધરાવતા માર્ગ પર સર્જાયુ જોખમ
કલાકો બાદ પણ ઝાડ ન હટાવાતા પૂર્વ સેનેટ સભ્ય કપીલ જોષીના આકરા આક્ષેપ
(પ્રતિનિધિ) વડોદરા, તા.31
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસના મુખ્ય પ્રવેશદ્વાર પાસે ગત રાત્રે એક વિશાળ વૃક્ષ અચાનક ધરાશાયી થતાં મુખ્ય ગેટને નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે ઘટના સમયે ત્યાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જોકે, આ બનાવ બાદ યુનિવર્સિટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.
યુનિવર્સિટીના મુખ્ય ગેટ પરથી દરરોજ હજારો વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની અવરજવર રહેતી હોય છે. કુલપતિ અને રજિસ્ટ્રાર સહિતના અધિકારીઓ પણ આ જ માર્ગનો ઉપયોગ કરતા હોવા છતાં મુખ્ય ગેટ પર ઝાડ પડવાની ઘટના ગંભીર ગણાઈ રહી છે. ઘટનામાં ગેટને નુકસાન થયું હોવા છતાં લાંબા સમય સુધી ઝાડ હટાવવાની કામગીરી ન થતાં ચર્ચા જાગી છે.
પૂર્વ સેનેટ સભ્ય કપીલ જોષીએ આ મામલે તંત્ર સામે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઝાડ વાવાઝોડાના કારણે નહીં પરંતુ જાળવણીના અભાવે ધરાશાયી થયું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ઘટના રાત્રે વાવાઝોડું શરૂ થાય તે પહેલાં બની હતી. વધુમાં, કલાકો વીતી ગયા છતાં ઝાડ હટાવાયું ન હોવું તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે.
આ બનાવ બાદ યુનિવર્સિટી કેમ્પસમાં વૃક્ષોની સલામતી, જાળવણી અને જોખમી વૃક્ષોની સમયસર ઓળખ અંગે ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે. સ્થાનિક વર્તુળોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આવી ઘટનામાં જો જાનહાનિ થઈ હોત તો તેની જવાબદારી કોણ લેત?