Kalol

કાલોલમાં ગમખ્વાર અકસ્માત: ટ્રકની અડફેટે સુરેલીના સરપંચનું ઘટનાસ્થળે જ મોત

નોકરી પર જતી વખતે બસ સ્ટેશન પાસે સર્જાઈ દુર્ઘટના, પંચમહાલ પંથકમાં શોકની લાગણી
અકસ્માત બાદ ટ્રક મૂકી ચાલક ફરાર, પોલીસના ચક્રો ગતિમાન

(પ્રતિનિધિ) કાલોલ, તા.30
પંચમહાલ જિલ્લાના કાલોલ બસ સ્ટેશન નજીક શનિવારે બપોરે સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં સુરેલી ગ્રામ પંચાયતના સરપંચ ભારતસિંહ પર્વતસિંહ ચૌહાણ (ઉં.57)નું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઇજાઓના કારણે તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.

મળતી માહિતી મુજબ, ભારતસિંહ ચૌહાણ પોતાના બુલેટ મોટરસાયકલ (GJ-17-BS-1147) પર મંજુસર જીઆઈડીસીમાં સેકન્ડ શિફ્ટની નોકરી માટે જઈ રહ્યા હતા. બપોરે આશરે 1:35 વાગ્યે કાલોલ બસ સ્ટેશનના પ્રવેશદ્વાર નજીક પહોંચતા ગોધરા તરફથી પૂરઝડપે આવી રહેલી ટ્રક (GJ-31-T-5931)ના ચાલકે ગફલતભરી રીતે બુલેટને જોરદાર ટક્કર મારી હતી.
ટક્કરના પ્રચંડ આઘાતથી ભારતસિંહ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને ગંભીર ઇજાઓના કારણે તેમનું સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહને કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સરપંચના નિધનના સમાચાર ફેલાતા રાજકીય અને સામાજિક આગેવાનો હોસ્પિટલ તથા પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા.
મૃતકના ભાઈ અર્જુનસિંહ ચૌહાણની ફરિયાદના આધારે કાલોલ પોલીસે ગુનો નોંધી ફરાર ટ્રક ચાલકને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top