મ્યૂલ અકાઉન્ટના જાળ પર સર્જિકલ સ્ટ્રાઈક, ગુજરાત પોલીસની રાજ્યવ્યાપી ઝુંબેશ સફળ
ગાંધીનગર,તા.1
સાયબર ગુનાઓ સામે ગુજરાત પોલીસે રાજ્યવ્યાપી અભિયાન ચલાવીને મોટી સફળતા હાંસલ કરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં હાથ ધરાયેલા “ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0” હેઠળ ગુજરાત પોલીસે ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ અભિયાન દરમિયાન 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી કરવામાં આવી છે, 565 FIR નોંધાઈ છે અને 638 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસના ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ (CCOE) દ્વારા વર્ષ 2025 દરમિયાન આ વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સાયબર ઠગો દ્વારા છેતરપિંડીથી મેળવાયેલા નાણાંને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા માટે ઉપયોગમાં લેવાતા મ્યૂલ અકાઉન્ટ્સને ટાર્ગેટ કરીને સમગ્ર રાજ્યમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C), NCRP પોર્ટલ, સમન્વય પોર્ટલ અને 1930 હેલ્પલાઇનમાંથી મળેલા ડેટાનું વિશ્લેષણ કરીને શંકાસ્પદ ખાતાઓની ઓળખ કરી હતી. રાજ્યના તમામ પોલીસ કમિશ્નર, રેન્જ વડાઓ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર પોલીસ સ્ટેશનોને આ ઓપરેશનમાં સામેલ કરવામાં આવ્યા હતા.
ઓપરેશન દરમિયાન કુલ 4052 ગુનાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 491 કેસ ગુજરાત સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આ અભિયાનના પરિણામે સાયબર ગુનેગારોની નાણાકીય ચેન પર સીધો પ્રહાર કરવામાં સફળતા મળી છે.
ઓપરેશનના પરિણામે ચેક અને એટીએમ મારફતે થતી શંકાસ્પદ નાણાકીય લેવડદેવડમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચેક દ્વારા થતો ઉપાડ 75 ટકા ઘટ્યો છે, જ્યારે માસિક ચેક ઉપાડ ₹126 કરોડથી ઘટીને ₹25 કરોડ પર આવી ગયો છે. એટીએમ ઉપાડમાં પણ સપ્ટેમ્બરથી ડિસેમ્બર 2025 દરમિયાન 66 ટકાનો ઘટાડો નોંધાયો છે. પ્રથમ લેયરના મ્યૂલ અકાઉન્ટ્સની સંખ્યામાં પણ 30 ટકાનો ઘટાડો થયો છે.
સાયબર ફ્રોડ સામેની લડતને વધુ મજબૂત બનાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)ના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન ડિજિટલ પેમેન્ટ ઇન્ટેલિજન્સ કોર્પોરેશન (IDPIC) દ્વારા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ પ્રણાલી હેઠળ દરેક ટ્રાન્ઝેક્શનને લો, મીડિયમ અને હાઈ રિસ્ક કેટેગરીમાં વર્ગીકૃત કરવામાં આવશે, જેના આધારે બેન્કો શંકાસ્પદ ખાતાઓ સામે સમયસર કાર્યવાહી કરી શકશે.
મ્યૂલ અકાઉન્ટ્સની માહિતી વિવિધ બેન્કો વચ્ચે શેર કરવા માટે mulehunter.ai નામની વિશેષ રજિસ્ટ્રી પણ તૈયાર કરવામાં આવી છે. આ વ્યવસ્થા દ્વારા સાયબર ગુનાઓમાં ઉપયોગમાં લેવાતા ખાતાઓની ઝડપથી ઓળખ શક્ય બનશે.
સાયબર સુરક્ષાના મુદ્દે પીએમ નરેન્દ્ર મોદીએ પણ વારંવાર ચિંતા વ્યક્ત કરી છે અને નાગરિકોને ડિજિટલ અરેસ્ટ સહિતના સાયબર ગુનાઓથી સાવચેત રહેવા અપીલ કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંકલિત પ્રયાસોથી સાયબર ગુનાઓ સામે વધુ અસરકારક કામગીરી થઈ રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.
“ઓપરેશન મ્યૂલ હન્ટ 1.0″ના મહત્વના મુદ્દાઓ
- ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ
- 913 મ્યૂલ અકાઉન્ટ સામે કાર્યવાહી
- 565 ફરિયાદ નોંધાઈ
- 638 આરોપીઓની ધરપકડ
- 4052 ગુનાઓની ઓળખ
- ચેક ઉપાડમાં 75% અને એટીએમ ઉપાડમાં 66% ઘટાડો
- RBI દ્વારા AI આધારિત રિસ્ક સ્કોરિંગ સિસ્ટમ અમલમાં આવશે
- mulehunter.ai રજિસ્ટ્રી દ્વારા શંકાસ્પદ અકાઉન્ટની માહિતી શેર થશે