ગાંધીનગર,તા.1
ગાંધીનગરમાં એન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ ભ્રષ્ટાચાર સામે મોટી કાર્યવાહી કરતાં ઉદ્યોગ ભવન ખાતે ફરજ બજાવતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અને ક્લાસ-1 અધિકારી અશ્વિન બી. ચૌધરીને લાંચ લેવાના કેસમાં ઝડપી પાડ્યા છે. નિવૃત્તિને માત્ર આઠ મહિના બાકી હોવા છતાં તેઓ ભ્રષ્ટાચારના ગંભીર આરોપોમાં સકંજામાં આવ્યા છે.
એસીબીને મળેલી બાતમી મુજબ અશ્વિન ચૌધરી સોલાર પેનલ અને સોલાર પ્રોજેક્ટ માટે જરૂરી એનઓસી તથા સેફ્ટી સર્ટિફિકેટ મંજૂર કરવા બદલ અરજદારો પાસેથી લાંચની માંગણી કરતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ ઘણી વખત સ્થળ તપાસ કર્યા વગર જ ફાઇલો ક્લિયર કરી દેતા હતા અને તેના બદલામાં રોકડ રકમ સ્વીકારતા હતા.
બાતમીના આધારે એસીબીએ વોચ ગોઠવી હતી. તપાસ દરમિયાન તેમની સરકારી કારમાંથી રૂ. 5,51,730ની રોકડ રકમ તેમજ ગિફ્ટ વાઉચર મળી આવ્યા હતા. ત્યારબાદ ગાંધીનગર અને સુરત સ્થિત તેમના રહેણાંક મકાનો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.તપાસમાં બંને મકાનો અને સરકારી વાહનમાંથી કુલ રૂ. 1,76,14,970ની રોકડ રકમ મળી આવી હતી. ઉપરાંત સોના-ચાંદીના દાગીના, લગડીઓ અને સિક્કાઓ સહિત અંદાજે રૂ. 88,82,910ની કિંમતનો મુદામાલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ રીતે કુલ રૂ. 2.64 કરોડથી વધુની રોકડ અને કિંમતી મિલકત મળી આવી છે.
એસીબીના નાયબ નિયામક ભારતી પંડ્યાએ જણાવ્યું હતું કે અશ્વિન ચૌધરી છેલ્લા ચાર વર્ષથી આ હોદ્દા પર કાર્યરત હતા. તપાસ દરમિયાન એવી વિગતો પણ સામે આવી છે કે તેમણે માત્ર એક અઠવાડિયામાં 100થી વધુ ફાઇલો ક્લિયર કરી હતી. આ તમામ ફાઇલોની તપાસ કરવામાં આવશે. તેમજ તેમની પાસે કોઈ એજન્ટ અથવા મધ્યસ્થીઓ કાર્યરત હતા કે કેમ તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
એસીબીની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે લાંચની કોઈ નક્કી રકમ ન હતી, પરંતુ અરજદારો અને કંપનીઓ સાથે થયેલી ડીલ મુજબ રકમ વસૂલવામાં આવતી હતી. પૂછપરછ દરમિયાન ચૌધરી કરોડોની સંપત્તિ અંગે સંતોષકારક ખુલાસો આપી શક્યા નહોતા.
આ સમગ્ર મામલે અશ્વિન બી. ચૌધરી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-2018ની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. એસીબી હવે તેમની આવકના સ્ત્રોત, સંપત્તિ અને મંજૂર કરાયેલી ફાઇલોની વિગતવાર તપાસ કરી રહી છે.મહત્વનું છે કે મુખ્ય વિદ્યુત નિરીક્ષકની કચેરીમાં વર્ગ-1 અધિકારી તરીકે ફરજ બજાવતા ચૌધરીના ગાંધીનગર સ્થિત સરકારી આવાસ અને ખાનગી મિલકતોમાંથી મળી આવેલી કરોડોની સંપત્તિએ સમગ્ર સરકારી તંત્રમાં ચકચાર મચાવી દીધી છે.