Gujarat

રાજ્યના 45 તાલુકામાં વરસાદી ઝાપટાં

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ યથાવત્ રહેવા છતાં હવે રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીમાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 1 જૂનથી 6 જૂન દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી કરી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે 1થી 3 જૂન દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.ગાંધીનગરમાં આવેલા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા 24 કલાકની અંદર 45 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને મહેસાણાના વિજાપુરમાં સવા ઈંચ જેટલો વરસાદ થયો છે.

જયારે અરવલ્લીના મોડાસામાં સવા ઈંચ ,પંચમહાલના શહેરામાં 1 ઈંચ , ભીલોડામાં 1 ઈંચ , સાબરકાંઠાના વડાલીમાં 22 મીમી , મહીસાગરના કડાણામાં 22 મીમી , પંચમહાલના મોરવા હડફમાં 20 મીમી , અરવલ્લીના ધનસુરામાં 20 મીમી , ખેડબ્રહ્મામાં 18 મીમી , દાહોદમાં 17 મીમી , સાઠંબામાં 16 મીમી , માલપુરમાં 15 મીમી , વિજયનગરમાં 14 મીમી , છોટા ઉદેપુરના બોડેલીમાં 12 મીમી જેટલો વરસાદ થયો છે. આજે રવિવારે દિવસ દરમ્યાન સાંજના છ વાગ્યા સુધીમાં 5 તાલુકાઓમાં 1 થી 7 મીમી જેટલો વરસાદ થયો છે.

રાજ્યના અનેક શહેરોમાં રવિવારે ઉનાળાની ગરમી યથાવત્ રહી હતી. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલી, ભાવનગર, રાજકોટ, અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગાંધીનગરમાં 39 ડિગ્રી, વડોદરામાં 39 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી અને ભૂજમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ખાસ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 2થી 4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. જોકે આગામી એક દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.

1થી 6 જૂન દરમિયાન અનેક જિલ્લામાં વરસાદની આગાહી

1 જૂને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક જિલ્લાઓમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.2 અને 3 જૂને ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની સંભાવના યથાવત્ રહેશે. જ્યારે 4 જૂને પણ ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.5 અને 6 જૂને વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થશે, પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેવાની શક્યતા છે.

1થી 3 જૂન દરમ્યાન વરસાદી ઓરેન્જ એલર્ટ

હવામાન વિભાગે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા દર્શાવતા ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને વરસાદની ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. સાંજ અને વહેલી સવારે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદના એકાદ ઝાપટાં પડી શકે છે. શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.

ચોમાસાની પ્રગતિ માટે અનુકૂળ સ્થિતિ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આગામી 3થી 4 દિવસમાં ચોમાસું અરબી સમુદ્રના વધુ વિસ્તારો, લક્ષદ્વીપ, કેરળ, તમિલનાડુ અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં આગળ વધે તેવી શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપ અને પાકિસ્તાન નજીક સર્જાયેલા અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ગુજરાતમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન વીજળીના કડાકા, તેજ પવન અને કેટલાક વિસ્તારોમાં કરા પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તેમજ હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

છેલ્લા 24 કલાકમાં 45 તાલુકાઓમાં વરસાદ

ગાંધીનગરમાં આવેલા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં છેલ્લા 24 કલાકની અંદર 45 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં ખાસ કરીને મહેસાણાના વિજાપુરમાં સવા ઈંચ જેટલો વરસાદ થયો છે. જયારે અરવલ્લીના મોડાસામાં સવા ઈંચ ,પંચમહાલના શહેરામાં 1 ઈંચ , ભીલોડામાં 1 ઈંચ , સાબરકાંઠાના વડાલીમાં 22 મીમી , મહીસાગરના કડાણામાં 22 મીમી , પંચમહાલના મોરવા હડફમાં 20 મીમી , અરવલ્લીના ધનસુરામાં 20 મીમી , ખેડબ્રહ્મામાં 18 મીમી , દાહોદમાં 17 મીમી , સાઠંબામાં 16 મીમી , માલપુરમાં 15 મીમી , વિજયનગરમાં 14 મીમી , છોટા ઉદેપુરના બોડેલીમાં 12 મીમી જેટલો વરસાદ થયો છે. આજે રવિવારે દિવસ દરમ્યાન સાંજના છ વાગ્યા સુધીમાં 5 તાલુકાઓમાં 1 થી 7 મીમી જેટલો વરસાદ થયો છે.

Most Popular

To Top