Gujarat

ચોરવાડની કાજલ વાજાને એશિયન ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક

ગાંધીનગર : જૂનાગઢ જિલ્લાના ચોરવાડ ગામની 19 વર્ષીય દોડવીર કાજલ વાજાએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હોંગકોંગમાં યોજાયેલી એશિયન અન્ડર -20 એથલેટિકસ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 4×100 મીટર રિલે સ્પર્ધામાં ભારતીય ટીમને રજત ચંદ્રક અપાવવામાં કાજલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ સાથે ભારતીય ટીમે નવો અંડર-20 રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો.

કાજલે તમિલનાડુની ભાવના, હરિયાણાની આરતી અને ઉત્તર પ્રદેશની નિપમ સાથે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ભારતીય ટીમે 45.05 સેકન્ડનો સમય નોંધાવી રજત ચંદ્રક જીત્યો હતો. આ પ્રદર્શન દરમિયાન ટીમે અગાઉનો 45.08 સેકન્ડનો રાષ્ટ્રીય રેકોર્ડ તોડીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

કાજલની આ સિદ્ધિ વધુ પ્રેરણાદાયી એટલા માટે પણ છે કે તે સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા હીરાભાઈ વાજા ચોરવાડ ગામમાં ખેતી અને ખેતમજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આર્થિક પડકારો વચ્ચે પણ કાજલે પોતાના સપનાઓને સાકાર કરવા માટે સતત મહેનત કરી છે.

રમતગમતમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે કાજલે આ વર્ષે ધોરણ-12ની પરીક્ષા એક વર્ષ માટે મુલતવી રાખી તાલીમ અને સ્પર્ધાઓ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેની આ મહેનત અને સમર્પણનું પરિણામ હવે આંતરરાષ્ટ્રીય મંચ પર જોવા મળ્યું છે.

કાજલના કોચ શિવમ ઉપાધ્યાયના જણાવ્યા મુજબ, કાજલ દેશની સૌથી આશાસ્પદ યુવા સ્પ્રિન્ટર્સમાંની એક છે. 100 મીટર, 200 મીટર અને રિલે સ્પર્ધાઓમાં તેણે અનેક ચંદ્રકો જીત્યા છે. તેની શિસ્ત, આત્મવિશ્વાસ અને સતત સુધારો કરવાની ભાવના તેને અન્ય ખેલાડીઓથી અલગ બનાવે છે.

અગાઉ પણ નોંધાવી ચૂકી છે અનેક સિદ્ધિઓ
કાજલે 2025માં રાંચીમાં યોજાયેલી દક્ષિણ એશિયન સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં 4×100 મીટર રિલેમાં રજત ચંદ્રક જીત્યો હતો. ઉપરાંત અંડર-20 વર્ગમાં 60 મીટર દોડનો રાષ્ટ્રીય રેકોર્ડ પણ તેના નામે છે.આ વર્ષે માર્ચ મહિનામાં ભુવનેશ્વરમાંમાં યોજાયેલી પ્રથમ ઇન્ડોર ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કાજલે 60 મીટર દોડમાં 7.50 સેકન્ડનો સમય નોંધાવી સુવર્ણ ચંદ્રક જીત્યો હતો અને નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ સ્થાપ્યો હતો.

સ્કૂલ પ્રોગ્રામથી આંતરરાષ્ટ્રીય મંચ સુધીની સફર
કાજલની રમતગમતની સફર સ્પોર્ટસ ઓથો. ઓફ ગુજરાતના સ્કૂલ પ્રોગ્રામથી શરૂ થઈ હતી. વર્ષ 2019માં તે કોડીનાર સ્થિત જિલ્લા કક્ષાની સ્પોર્ટ્સ સ્કૂલમાં જોડાઈ હતી. ત્યારબાદ તેની પ્રતિભાને ધ્યાનમાં રાખીને 2023માં નડિયાદ સ્થિત હાઈ-પરફોર્મન્સ સેન્ટરમાં પસંદગી કરવામાં આવી હતી, જ્યાં તે હાલમાં અદ્યતન તાલીમ મેળવી રહી છે.

હર્ષ સંઘવીના અભિનંદન
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કાજલ વાજા અને સમગ્ર ભારતીય રિલે ટીમને તેમની ઐતિહાસિક સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ખેલાડીઓને વૈશ્વિક સ્તરે સફળતા મેળવવા માટે જરૂરી તમામ સુવિધાઓ પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. કાજલની સિદ્ધિ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
ઉલ્લેખનીય છે કે આ જ ચેમ્પિયનશિપમાં વાપીના ખેલાડી રાહુલ ઝાખરે ડેકાથ્લોન સ્પર્ધામાં નવો રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો, જેના કારણે ગુજરાતના ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય મંચ પર પોતાની પ્રતિભાનો ડંકો વગાડ્યો છે.

Most Popular

To Top