પાંચ થેલી ખાતર સાથે નેનો યુરિયા લેવાનું દબાણ હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સાત-બારની નકલ માંગતા ખેડૂતોને ધક્કા, સરકારની નીતિ સામે વિરુદ્ધ કામગીરીનો સવાલ
(પ્રતિનિધિ) નસવાડી
ચોમાસા પૂર્વે ખાતરની ખરીદી કરવા આવેલા ખેડૂતોમાં નસવાડી એપીએમસી ખાતે આવેલા ગુજકોમાસોલ ખાતર ડેપો સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ખાતર મેળવવા માટે તેમને જમીનની સાત-બારની નકલ રજૂ કરવાની ફરજ પાડવામાં આવે છે તેમજ પાંચ થેલી ખાતર સાથે નેનો યુરિયા લિક્વિડ અને અન્ય પ્રોડક્ટ ખરીદવા માટે દબાણ કરવામાં આવે છે.

આદિવાસી વિસ્તારના ખેડૂતો ચોમાસા દરમિયાન માર્ગ વ્યવસ્થાની સમસ્યાને ધ્યાનમાં રાખીને અગાઉથી ખાતર ખરીદી કરી સંગ્રહ કરતા હોય છે. જોકે ડેપો પર લાંબી લાઇનમાં ઉભા રહ્યા બાદ ખેડૂતોને વધારાની શરતોનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે સાત-બારની નકલ મેળવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડે છે, જ્યારે આવો કોઈ નિયમ સરકાર દ્વારા જાહેર કરાયો નથી.
ખેડૂતોના જણાવ્યા મુજબ, માત્ર ખાતર લેવા આવેલા ખેડૂતોને અન્ય પ્રોડક્ટ ખરીદવા માટે પણ કહેવામાં આવે છે. આર્થિક રીતે નબળા ખેડૂતો પાસે વધારાના નાણા ન હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
ખેડૂતોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે જ્યારે સરકાર અને કૃષિ મંત્રાલય દ્વારા ખાતર સાથે અન્ય પ્રોડક્ટ ખરીદવાની ફરજ ન હોવાનું જણાવાયું છે, ત્યારે ડેપો સ્તરે આવી પ્રથા કેમ ચાલુ છે? ખેડૂતોે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રિપોર્ટર: સર્વેશ મેમણ