દરેક મેચ એકસરખી રમી શકાતી નથી
IPL 2026માં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી સમગ્ર ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચનાર 15 વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી એ ઓરેન્જ કેપ જીત્યા બાદ પોતાની સફળતાનું રહસ્ય જાહેર કર્યું છે. રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને જણાવ્યું કે ક્રિકેટમાં સફળતા મેળવવા માટે માત્ર પ્રતિભા પૂરતી નથી, પરંતુ કઠોર મહેનત, શિસ્તબદ્ધ જીવનશૈલી અને ઉત્તમ ફિટનેસ પણ એટલી જ જરૂરી છે.IPL 2026માં વૈભવે 16 ઇનિંગ્સમાં કુલ 776 રન ફટકારીને ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ આશ્ચર્યજનક 237.31 રહ્યો, જે IPLના ઇતિહાસમાં સૌથી આક્રમક અને યાદગાર પ્રદર્શનોમાંનું એક માનવામાં આવી રહ્યું છે.
“ફિટનેસ માટે જીવનશૈલીમાં મોટા ફેરફાર કર્યા”
વૈભવે જણાવ્યું કે ક્રિકેટમાં લાંબા ગાળાની સફળતા માટે તેણે પોતાની જીવનશૈલીમાં અનેક ફેરફારો કર્યા છે. તેણે કહ્યું કે હવે તે પોતાના ખોરાક અને ફિટનેસ અંગે ખૂબ જ સજાગ બની ગયો છે. તેના મુજબ, “હવે હું દૂધ પણ નથી પીતો. અને હું મારા શરીરને શ્રેષ્ઠ સ્થિતિમાં રાખવા માટે ડાયેટ અને ફિટનેસ પર ખાસ ધ્યાન આપું છું. ક્રિકેટમાં ટકી રહેવા માટે ફિટનેસ અત્યંત જરૂરી છે.”યુવા બેટ્સમેનનું માનવું છે કે આધુનિક ક્રિકેટમાં ફિટનેસ વિના સતત સારું પ્રદર્શન કરવું શક્ય નથી. આ કારણસર તે નિયમિત ટ્રેનિંગ, જિમ અને રિકવરી સેશનને પણ ખૂબ મહત્વ આપે છે.
“દરેક મેચમાં એકસરખી બેટિંગ શક્ય નથી”
વૈભવે પોતાની બેટિંગ ફિલોસોફી અંગે પણ ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે દરેક મેચની પરિસ્થિતિ અલગ હોય છે અને દરેક બોલર સામે એકસરખી રણનીતિ કામ કરતી નથી.તેના શબ્દોમાં, “દરેક મેચમાં એકસરખું રમવું શક્ય નથી. પિચ, વિરોધી ટીમ, બોલિંગ આક્રમણ અને મેચની સ્થિતિ પ્રમાણે પોતાની રમત બદલવી પડે છે. સફળ ખેલાડી એ જ હોય છે મહત્વ નું છે કે જે પરિસ્થિતિને સમજીને પોતાને ઢાળી શકે.”ક્રિકેટ નિષ્ણાતો પણ વૈભવની આ મેચ અવેરનેસ અને પરિસ્થિતિ અનુસાર રમત બદલવાની ક્ષમતાને તેની સફળતાનું મુખ્ય કારણ માને છે.
પિતાની શિખામણ આજે પણ માર્ગદર્શન આપે છે
વૈભવે પોતાની સફળતાનો શ્રેય પોતાના પિતાને પણ આપ્યો. તેણે જણાવ્યું કે બાળપણથી જ તેના પિતાએ તેને શીખવ્યું હતું કે વ્યક્તિગત રેકોર્ડ કરતાં ટીમની જીત વધુ મહત્વપૂર્ણ છે.વૈભવના જણાવ્યા અનુસાર, “મારા પિતા હંમેશા કહેતા કે જો તમે સદી, ડબલ સદી કે ટ્રિપલ સદી બનાવો અને ટીમ ન જીતે તો તે રનોનું કોઈ મૂલ્ય નથી. જો હું 100ના બદલે 80 રન બનાવીને ટીમને જીત અપાવું તો તે મારા માટે વધુ મહત્વનું છે.”
નિડર બેટિંગથી તોડ્યા અનેક રેકોર્ડ
IPL 2026 દરમિયાન વૈભવ સૂર્યવંશીએ પોતાની નિડર બેટિંગથી અનેક રેકોર્ડ તોડ્યા હતા. તેણે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના રેકોર્ડ સહિત અનેક સિદ્ધિઓ હાંસલ કરી. તેની આક્રમક બેટિંગે વિરોધી બોલરોને સતત દબાણમાં રાખ્યા હતા.ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એલિમિનેટર મેચમાં ફક્ત 29 બોલમાં 97 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી તેણે સમગ્ર ક્રિકેટ જગતને ચોંકાવી દીધું હતું. આ ઇનિંગ્સ બાદ તે ફરી ઓરેન્જ કેપની રેસમાં ટોચ પર પહોંચ્યો હતો.
IPL 2026નો સૌથી મોટો સ્ટાર
માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવ સૂર્યવંશી IPL 2026નો સૌથી મોટો સ્ટાર બનીને ઉભર્યો છે. તેની બેટિંગ, આત્મવિશ્વાસ, ફિટનેસ અને ટીમ-ફર્સ્ટ અભિગમને કારણે તે ભવિષ્યમાં ભારતીય ક્રિકેટનો મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતો માને છે કે જો તે આ જ રીતે મહેનત અને શિસ્ત જાળવી રાખશે તો આગામી વર્ષોમાં અનેક મોટા રેકોર્ડ તેના નામે થઈ શકે છે.
ફેક્ટ ફાઇલ – વૈભવ સૂર્યવંશી (IPL 2026):
ટીમ: રાજસ્થાન રોયલ્સ
ઉંમર: 15 વર્ષ
કુલ રન: 776
ઇનિંગ્સ: 16
સ્ટ્રાઈક રેટ: 237.31
સિદ્ધિ: IPL 2026 ઓરેન્જ કેપ વિજેતા
ખાસિયત: નિડર અને આક્રમક બેટિંગ, ઉત્તમ ફિટનેસ અને ટીમ-ફર્સ્ટ અભિગમ.