India

LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો: જાન્યુઆરીથી અત્યાર સુધી 7મી વખત ભાવ વધારો, હોટલ-રેસ્ટોરન્ટ વ્યવસાય પર વધશે બોજ

દેશભરમાં કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. 1 જૂન 2026થી અમલમાં આવેલા નવા દરો મુજબ 19 કિલોના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹42થી ₹53.50 સુધીનો વધારો નોંધાયો છે. આ સાથે વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં કોમર્શિયલ LPGના દરોમાં સાતમી વખત વધારો થયો હોવાનું સામે આવ્યું છે.જો કે તાજા ભાવ વધારાના કારણે હોટલ, રેસ્ટોરન્ટ, કેટરિંગ, ઢાબા તથા અને અન્ય વ્યાવસાયિક એકમોના ખર્ચમાં વધારો થવાનો છે. નિષ્ણાતોનું માનવું છે કે આ વધેલા ખર્ચની સીધી અસર સામાન્ય ગ્રાહકો પર પણ પડી શકે છે અને બહાર જમવાનું વધુ મોંઘું બની શકે છે.

દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર ₹3,113.50 સુધી પહોંચ્યો
તેલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા નવા દર મુજબ દિલ્હીમાં 19 કિલો કોમર્શિયલ LPG સિલિન્ડરનો ભાવ હવે ₹3,113.50 થયો છે. અગાઉ તેનો ભાવ ₹3,071.50 હતો. એટલે કે એક જ મહિનામાં ₹42નો વધારો નોંધાયો છે.મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ સહિતના મોટા શહેરોમાં પણ કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થયો છે. કેટલાક શહેરોમાં વધારો ₹53.50 સુધી પહોંચ્યો છે.

જાન્યુઆરીથી સતત વધી રહ્યા છે ભાવ
વર્ષ 2026 દરમિયાન કોમર્શિયલ LPGના ભાવમાં સતત ફેરફારો જોવા મળ્યા છે. ખાસ કરીને માર્ચ અને મે મહિનામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો. માર્ચમાં કોમર્શિયલ સિલિન્ડર પર આશરે ₹115નો વધારો થયો હતો, જ્યારે 1 મેના રોજ તો એક ઝાટકે લગભગ ₹993નો ઐતિહાસિક વધારો નોંધાયો હતો.આ સતત ભાવવધારાને કારણે વેપારીઓ અને નાના ઉદ્યોગકારોમાં ચિંતા વધી રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનોનું કહેવું છે કે રસોઈ માટેના ગેસનો ખર્ચ ખૂબ વધી ગયો હોવાથી ખાદ્યપદાર્થોના ભાવમાં પણ વધારો કરવો પડી શકે છે.

ઘરેલુ LPG ગ્રાહકોને હાલ રાહત
જ્યાં એક તરફ કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યાં ઘરેલુ 14.2 કિલોના LPG સિલિન્ડરના ભાવમાં હાલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માર્ચ 2026માં ઘરેલુ સિલિન્ડરના ભાવમાં ₹60નો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારથી ભાવ સ્થિર છે.દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડરનો ભાવ ₹913 છે, જ્યારે મુંબઈમાં ₹912.50, કોલકાતામાં ₹939 અને ચેન્નાઈમાં ₹928.50 છે.

ભાવવધારાના કારણો શું?
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતો મુજબ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભૂરાજકીય તણાવ, કાચા તેલના વધતા ભાવ, પુરવઠાની સુરક્ષા અને LPGના સ્ટોકને મજબૂત બનાવવાના પ્રયાસોને કારણે કોમર્શિયલ LPGના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. વૈશ્વિક બજારમાં ઊર્જા સંબંધિત અનિશ્ચિતતા પણ ભાવવધારાનું એક મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.

સામાન્ય લોકો પર કેવી અસર પડશે?
કોમર્શિયલ LPGનો સીધો ઉપયોગ ઘરેલુ ગ્રાહકો કરતા નથી, પરંતુ હોટલ, રેસ્ટોરન્ટ, કેટરર્સ અને ફૂડ બિઝનેસમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે. તેથી ગેસના વધેલા ખર્ચની અસર ખાણીપીણીના ભાવ પર પડી શકે છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં રેસ્ટોરન્ટના મેનુના ભાવમાં 5થી 10 ટકા સુધીનો વધારો જોવા મળી શકે છે.

Most Popular

To Top