Vadodara

‘સપનાનું ઘર’ બન્યું દુઃસ્વપ્ન : 6 વર્ષથી કબજાની રાહમાં રઝળતા ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ માં બુકિંગ કરાવનારા પરિવારો

2020માં બુકિંગ, 2026માં પણ નથી ચાવી હાથમાં

નિર્ધારિત સમયમર્યાદામાં મકાન આપવાના વાયદા હવામાં, સેંકડો પરિવારો લોન અને ભાડાના બેવડા બોજ નીચે દટાયા

વારંવારની બેઠકો બાદ પણ માત્ર આશ્વાસનો, હવે પાણીગેટ પોલીસનો આશરો

બિલ્ડર સામે કડક કાર્યવાહી અને પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરાવવા અસરગ્રસ્ત રહીશોની ન્યાય માટે ગુહાર

(પ્રતિનિધિ), વડોદરા, તા. 31

વડોદરા શહેરના અજબડી મિલ રોડ, ઠેકરનાથ મહાદેવ મંદિર નજીક નિર્માણાધીન ‘શ્રી સિદ્ધેશ્વર પાર્થેશ્વર’ પ્રોજેક્ટ સામે મધ્યમવર્ગીય પરિવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જીવનભરની બચત અને બેંક લોનના સહારે પોતાના ‘સપનાનું ઘર’ ખરીદનારા સેંકડો પરિવારો છેલ્લા છ વર્ષથી માત્ર આશ્વાસનોના ભરોસે જીવી રહ્યા છે. વારંવારની રજૂઆતો છતાં કોઈ સંતોષકારક જવાબ ન મળતા કંટાળેલા રહીશોએ આખરે પાણીગેટ પોલીસ સ્ટેશનનો આશરો લીધો છે.

મળતી માહિતી મુજબ, વર્ષ 2020 દરમિયાન અનેક પરિવારો દ્વારા આ પ્રોજેક્ટમાં મકાનો બુક કરાવવામાં આવ્યા હતા. બિલ્ડર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં મકાનનો કબજો સોંપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, વર્ષ 2026 અડધું પૂર્ણ થવા છતાં પણ મકાનોનો કબજો મળ્યો નથી.

પરિણામે, અસરગ્રસ્ત પરિવારો બેવડા આર્થિક બોજ હેઠળ આવી ગયા છે. એક તરફ બેંક લોનના હપ્તા ચૂકવવાના છે, તો બીજી તરફ ભાડાના મકાનમાં રહેવાનો ખર્ચ પણ ઉઠાવવો પડી રહ્યો છે. આ સ્થિતિને કારણે અનેક પરિવારો આર્થિક તેમજ માનસિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે.

રહીશોના જણાવ્યા મુજબ, બિલ્ડર સાથે ત્રણથી ચાર વખત બેઠકો યોજાઈ હતી અને દરેક વખતે પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરંતુ કામ પૂર્ણ કરવાની કોઈ ચોક્કસ સમયમર્યાદા આપવામાં આવી નથી. સતત મળતા આશ્વાસનો અને બિલ્ડરના અસહકારભર્યા વલણથી કંટાળીને અસરગ્રસ્ત પરિવારો મોટી સંખ્યામાં પાણીગેટ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.

રહીશોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી બિલ્ડર સામે યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ વહીવટી તંત્ર અને સંબંધિત અધિકારીઓને હસ્તક્ષેપ કરી પ્રોજેક્ટનું કામ ઝડપથી પૂર્ણ કરાવવા અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બિલ્ડરનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા પ્રાપ્ત થઈ નથી. બિલ્ડરનું મૌન રહીશોની ચિંતામાં વધુ વધારો કરી રહ્યું છે. હવે સૌની નજર રેરા અને પોલીસ તંત્રની આગામી કાર્યવાહી પર મંડાયેલી છે.

Most Popular

To Top