સુરતઃ ગયા ડિસેમ્બર મહિનામાં ડીંડોલી-ડેલાડવા તળાવ નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીનું જીવન હવે નવા વળાંક પર પહોંચ્યું છે. સુરત શહેર પોલીસ દ્વારા પ્રેમથી “હસ્તી” નામ આપવામાં આવેલી આ બાળકી આજે મુંબઈના કોટક દંપતીના પરિવારની સભ્ય બની છે. દત્તક વિધિ દરમિયાન લાગણીસભર માહોલ સર્જાયો હતો અને હાજર રહેલા લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.
- એક જ દિવસે ત્રણ પરિવારોના આંગણે પધારી નાની-નાની લક્ષ્મીઓ, શિશુગૃહમાંથી ત્રણ દીકરીઓને દત્તક સોંપાઈ
- ડેલાડવા તળાવ નજીક ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવેલી નવજાત બાળકીનું જીવન હવે નવા વળાંક પર પહોંચ્યું
- કચરાપેટીથી કોટક પરિવારના કાળજા સુધી… હસ્તીની સુંદર સફર
- એક માસૂમની વિદાય અને આખી સુરત પોલીસની આંખોમાં આંસુ..
પ્રાપ્ત માહિતી અનુસાર, ગયા ડિસેમ્બર મહિના દરમિયાન ડીંડોલી વિસ્તારના ડેલાડવા તળાવ નજીક એક નવજાત બાળકી ત્યજી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતાં સુરત પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને બાળકીનું રેસ્ક્યૂ કરીને તેને સુરક્ષિત આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ બાળકીની તબીબી સારવાર, સંભાળ અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી.
પોલીસે બાળકીનું નામ “હસ્તી” રાખ્યું
આ દરમિયાન સુરત પોલીસ પરિવાર દ્વારા બાળકી પ્રત્યે વિશેષ લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બાળકીના નામકરણથી લઈને તેની સંભાળ સુધીની જવાબદારી પણ પોલીસે નિભાવી હતી. પોલીસ કર્મચારીઓએ બાળકીનું નામ “હસ્તી” રાખ્યું હતું, જે બાદથી તે સમગ્ર પોલીસ પરિવારની લાડકી બની ગઈ હતી.
દરમિયાન આજે 6 મહિના બાદ કતારગામના બાળાશ્રમમાં યોજાયેલી દત્તક વિધિમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, તેમની પત્ની સંધ્યા ગહેલોત, જિલ્લા કલેક્ટર તેજસ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વિધિ દરમિયાન તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરીને હસ્તીને મુંબઈના મનીષ કોટક અને દિપ્તી કોટકને સોંપવામાં આવી હતી. આ વિદાયની ક્ષણે પોલીસ પરિવાર અને શિશુગૃહમાં હાજર તમામ લોકોની આંખો હર્ષના આંસુથી ભરાઈ આવી હતી.
મુંબઈના કોટક દંપતીએ હસ્તીને દત્તક લીધી
મુંબઈનું કોટક દંપતી છેલ્લા 10 વર્ષથી સંતાન માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યું હતું. લાંબા સમયથી માતા-પિતા બનવાનું સ્વપ્ન જોતા આ દંપતીના જીવનમાં આજે ખુશીની નવી કિરણ આવી છે. હસ્તીના આગમન સાથે તેમના ઘરમાં કિલકારીઓ ગૂંજવાની શરૂઆત થઈ છે. દંપતીએ પણ હસ્તીને પરિવારના સભ્ય તરીકે સ્વીકારી તેને પ્રેમ, સુરક્ષા અને ઉજ્જવળ ભવિષ્ય આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
ત્રણ બાળકીને અલગ-અલગ દંપતીએ દત્તક લીધી
વિશેષ વાત એ છે કે કતારગામ સ્થિત શિશુ મંદિરમાં આજે માત્ર હસ્તી જ નહીં, પરંતુ કુલ ત્રણ બાળકી અલગ-અલગ દંપતીઓને દત્તક સોંપાઈ હતી. એક જ દિવસે ત્રણ પરિવારોમાં ત્રણ નાની લક્ષ્મીઓના આગમનથી આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
દત્તક પ્રક્રિયાના કારણે વર્ષોથી સંતાનની રાહ જોઈ રહેલા પરિવારોના જીવનમાં નવી આશા અને ખુશીઓનું આગમન થયું છે. જ્યારે આ ત્રણેય નાની માસૂમ દીકરીઓ શિશુગૃહમાંથી વિદાય થઈને પોતાના નવા માતા-પિતાના હાથમાં ગઈ, ત્યારે શિશુગૃહના સંચાલકો ભાવુક થઈ ગયા હતા.
પોલીસ કમિશનરે સમાજને કરી ખાસ અપીલ
દંપતીઓને દીકરી સોંપ્યા બાદ પોલીસ કમિશનરે સમાજને અપીલ કરતાં જણાવ્યું કે, સમાજમાં હજુ પણ કેટલાક લોકો પોતાના નવજાત બાળકોને કચરાપેટીમાં કે તળાવના કિનારે ત્યજી દે છે, જ્યાં જંગલી જાનવરો માસૂમોને નુકસાન પહોંચાડે છે. મારી લોકોને નમ્ર વિનંતી છે કે કોઈ મજબૂરી હોય તો બાળકને આ રીતે રસ્તા પર ન ફેંકો, સરકારના શિશુગૃહો ઉપલબ્ધ છે, જ્યાં બાળકોને સોંપી જાઓ જેથી તેમનો સુરક્ષિત ઉછેર થઈ શકે.
હસ્તી મારી દીકરી હતીઃ પીએસઆઈ ઓડેદરા ભાવુક થયા
ડિંડોલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડી.એલ.ઓડેદરા અને તેમની ટીમ હસ્તીના વિદાય પ્રસંગે ભાવુક થયા હતા. દિવ્યા ઓડેદરાએ કહ્યું કે, ગઈ તા. 6 ડિસેમ્બર, 2025માં જ્યારે આ બાળકી અમને મળી હતી. ત્યારથી જ તેની સાથે અમારી લાગણીઓ જોડાઈ ગઈ હતી. તે અમારા માટે માત્ર એક કેસ નહોતી, પણ અમારી પોતાની દીકરી હતી. આજે જ્યારે તેને આટલા પ્રેમાળ વાલી મળી ગયા છે, ત્યારે અમને પોલીસ તરીકે અત્યંત ગર્વ અને ખુશી થાય છે. ઓડેદરાએ વધુમાં કહ્યું કે, દીકરી ભલે મુંબઈ જઈ રહી હોય, પરંતુ તેના સ્વાસ્થ્ય, શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે પોલીસ હંમેશાં કોટક પરિવાર સાથે સંપર્કમાં રહેશે.
આ ત્રણ પરિવારોએ બાળકીઓ દત્તક લીધી
કોટક પરિવાર (મુંબઈ): એડવર્ટાઈઝમેન્ટ અને મીડિયા ક્ષેત્રે કાર્યરત મનીષ કોટક અને દીપ્તી કોટકે મિશન વાત્સલ્ય અને કારા સંસ્થાના માધ્યમથી હસ્તીને દત્તક લીધી.
ગારોળે પરિવાર (પૂણે): મહારાષ્ટ્રના પૂણેના એન્જિનિયર કૌસ્તુભ ગારોળે અને તેમની પત્ની અમૃતા ગારોળેએ એક દીકરી દત્તક લીધી.
કોટક પરિવાર(ભુજ): ભુજમાં આઈસક્રીમ પાર્લર ચલાવતા જીગર કોટક અને તેમના પત્ની વિશ્વા કોટકે એક દીકરીને દત્તક લીધી.