શાળા સંચાલક મહામંડળની ઉગ્ર રજૂઆત, નવા ગુણપત્રકો આપવાની માંગ
પરિણામ બાદ લાંબો વિલંબ પણ મુદ્દો બન્યો, પરિણામના દિવસે જ વિતરણ કરવાની માંગણી
(પ્રતિનિધિ) વડોદરા, તા.30
ગુજરાત શાળા સંચાલક મહામંડળે ધોરણ 10 અને 12ના ગુણપત્રક તથા પ્રમાણપત્રોની ગુણવત્તા સામે ગંભીર વાંધો ઉઠાવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પત્ર લખી રજૂઆત કરી છે. માર્ચ-2026ની બોર્ડ પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને અપાયેલા ગુણપત્રકો અત્યંત નબળી ગુણવત્તાના કાગળ પર છાપવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
મહામંડળના ઉપાધ્યક્ષ આર.સી. પટેલે જણાવ્યું હતું કે અગાઉ પરિણામ જાહેર થયાના દિવસે જ શાળાઓને ગુણપત્રકો મળી જતા હતા, જ્યારે આ વર્ષે લાંબા વિલંબ બાદ દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. જેના કારણે પ્રવેશ પ્રક્રિયામાં પણ અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી.
રાજ્યભરમાંથી મળેલી ફરિયાદોના આધારે મહામંડળે જણાવ્યું છે કે ધો.10 અને ધો.12ના ગુણપત્રકો તથા પ્રમાણપત્રો વિદ્યાર્થીઓ માટે આજીવન ઉપયોગી દસ્તાવેજો છે. નોકરી, ઉચ્ચ અભ્યાસ, પાસપોર્ટ સહિતની વિવિધ પ્રક્રિયામાં તેની જરૂર પડતી હોય છે. નબળી ગુણવત્તાના કાગળને કારણે ભવિષ્યમાં દસ્તાવેજો ખરાબ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહામંડળે અગાઉની જેમ ઉચ્ચ ગુણવત્તાવાળા ગુણપત્રકો ફરીથી આપવા અને પરિણામ જાહેર થયાના દિવસે જ તેનું વિતરણ શરૂ કરવાની માંગણી કરી છે.