Vadodara

RTE પ્રવેશમાં આંગણવાડીના બાળકો સાથે અન્યાયનો આક્ષેપ, DEO કચેરીએ વાલીઓનો હોબાળો

ડોક્યુમેન્ટ પૂર્ણ હોવા છતાં પ્રવેશ ન મળતા વાલીઓમાં રોષ, તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
‘પૈસા લઈને અન્ય વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો?’ વાલીઓએ ઉઠાવ્યા ગંભીર સવાલો

(પ્રતિનિધિ) વડોદરા, તા.30
RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ મળવો જોઈએ તેમ છતાં શહેરના અનેક આંગણવાડીના બાળકોને હજુ સુધી શાળામાં એડમિશન ન મળતા વાલીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. આ મુદ્દે આજે મોટી સંખ્યામાં વાલીઓ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર રજૂઆત કરી હતી.

વાલીઓનું કહેવું છે કે બાળકોના તમામ જરૂરી દસ્તાવેજો પૂર્ણ હોવા છતાં તેમને RTE હેઠળ પ્રવેશ આપવામાં આવ્યો નથી. વાલી અનીશભાઈએ જણાવ્યું હતું કે પ્રથમ અને બીજા રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને હવે ત્રીજા રાઉન્ડની તૈયારી ચાલી રહી છે, છતાં આંગણવાડીના બાળકોને પ્રવેશથી વંચિત રાખવામાં આવી રહ્યા છે. ડોક્યુમેન્ટમાં ભૂલ સુધાર્યા પછી પણ એડમિશન ન મળવું યોગ્ય નથી.

વાલીઓએ ગંભીર આક્ષેપ કરતા સવાલ ઉઠાવ્યો હતો કે જો તમામ દસ્તાવેજો પૂર્ણ હોય છતાં પ્રવેશ ન મળે તો શું અન્ય વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે? આગામી 8 જૂનથી શાળાઓ શરૂ થવાની હોવાથી વાલીઓની ચિંતા વધી છે.
વાલીઓનો દાવો છે કે અનેક આંગણવાડીના બાળકો હજુ સુધી પ્રવેશથી વંચિત છે. તેમણે માંગ કરી છે કે પાત્ર તમામ બાળકોને તાત્કાલિક પ્રવેશ આપવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

Most Popular

To Top