Vadodara

GCAS પ્રવેશ પ્રક્રિયા: 4.80 લાખ અરજદારોમાંથી માત્ર 2.14 લાખને જ પ્રવેશ, 50% થી વધુ વિદ્યાર્થીઓ હજુ વંચિત

જીકાસનો ચોથો રાઉન્ડ આજે પૂર્ણ, પૂરક પરીક્ષાના પરિણામ પહેલા વધુ એક રાઉન્ડ યોજવાની શક્યતા

ગુ.યુનિવર્સિટીમાં 66 હજાર બેઠકો સામે માત્ર 24,300 પ્રવેશ, વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવો માથાના દુખાવા સમાન

( પ્રતિનિધિ )વડોદરા,તા.29

ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (જીકાસ) મારફતે યુજી કોર્સમાં ચાલતી પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ 28મી જૂનના રોજ પૂર્ણ થશે. અત્યાર સુધીની સ્થિતિએ કુલ 4.80 લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર 2.14 લાખ જેટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ મળ્યો છે. એટલે કે ફાઈનલ ફોર્મ સબમીટ કરનાર પૈકી 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ હજુ સુધી પ્રવેશથી વંચિત છે.

રાજ્યની 15 સરકારી અને 23 જેટલી ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે ચાલુ વર્ષે પણ જીકાસ પોર્ટલ મારફતે કોમન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઈ હતી. યુજી પ્રવેશ અંગે પ્રસિદ્ધ કરેલા કાર્યક્રમમાં ચાર રાઉન્ડ યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. ચોથા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરવાની મુદત 28 જૂનના રોજ પૂર્ણ થાય છે. હાલની સ્થિતિએ પૂરક પરીક્ષાના પરિણામ પહેલા પ્રવેશનો વધુ એક રાઉન્ડ યોજવો પડે એવી સ્થિતિ સર્જાઈ છે. ચાર રાઉન્ડ પછી પૂરક પરીક્ષાના વિદ્યાર્થીઓ તથા પ્રવેશના આ તબક્કામાં અરજી ન કરી શકનાર વિદ્યાર્થીઓ માટે પ્રવેશનો ખાસ રાઉન્ડ જાહેર કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીની સ્થિતિ વધુ ચિંતાજનક છે. યુનિ.ના વિવિધ કોર્સની 66 હજાર જેટલી બેઠકો સામે રવિવાર સાંજ સુધીમાં માત્ર 24,300 જેટલા વિદ્યાર્થીઓના પ્રવેશ થયા છે. યુનિવર્સિટીની પોતાની સેન્ટ્રલાઈઝ્ડ પ્રવેશ પ્રક્રિયામાં બે રાઉન્ડમાં 60 થી 70 ટકા બેઠકો ભરાઈ જતી હતી. પરંતુ, જીકાસ આવતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષા પાસ કરવા કરતાં પ્રવેશ મેળવવો એ માથાના દુખાવા સમાન બની ગયું છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પ્રવેશ વિના હોવાથી વધુ એક રાઉન્ડ યોજવો પડશે એવું નિષ્ણાંતોનું કહેવું છે. ચાલુ વર્ષે પણ જીકાસની પ્રવેશ પ્રક્રિયા સરદર્દ નિષ્ફળ જોવા મળી છે. વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સર્વત્ર માંગ ઉઠી છે કે, પ્રવેશ પ્રક્રિયાઓ ફરીથી યુનિવર્સિટીઓને જ સુપ્રત કરી જીકાસને કાયમી માટે હટાવી દેવામાં આવે.

Most Popular

To Top