Vadodara

વડોદરા : હજયાત્રાના નામે વકીલ દંપતી સાથે રૂ.10.30 લાખની છેતરપિંડી

વિઝા અને એર ટિકિટ ન આપી રૂપિયા પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી; પાંચ સામે ગુનો નોંધાયો

વડોદરા, તા.29
હજ યાત્રા કરાવવાના નામે વડોદરાના વકીલ દંપતી સાથે રૂ.10.30 લાખની છેતરપિંડી થયાનો મામલો સામે આવ્યો છે. વિઝા અને એર ટિકિટ ન આપ્યા બાદ રૂપિયા પરત માંગતા ટુર એન્ડ ટ્રાવેલ્સના સંચાલકોએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે પાંચ શખ્સો સામે છેતરપિંડી અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આજવા રોડ સ્થિત મહેમણ કોલોનીમાં રહેતા તથા દિવાળીપુરા કોર્ટમાં વકીલાત કરતા એડવોકેટ અલ્તાફહુસેન ગુલામમહંમદ શેખે ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમણે અને તેમની પત્નીએ વર્ષ-2026ની હજ યાત્રા માટે મે-2026 દરમિયાન વડોદરાની અલમુતહા ટુર એન્ડ ટ્રાવેલ્સનો સંપર્ક કર્યો હતો. ટુર સંચાલકોએ સુરત સ્થિત એસ.એસ. હજ કોર્પોરેશન ટુર એન્ડ ટ્રાવેલ્સ સાથે મળીને પ્રતિ વ્યક્તિ રૂ.5 લાખનું પેકેજ નક્કી કર્યું હતું.
આરોપીઓએ વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસેથી ચેક, રોકડ, આરટીઝીએસ તથા ઓનલાઈન ટ્રાન્સફર મારફતે કુલ રૂ.10.30 લાખ વસૂલ્યા હતા. ત્યારબાદ હજ યાત્રા માટે વિઝા લેટર આપ્યા હતા. જોકે, ફરિયાદીએ ઓનલાઈન ચકાસણી કરતાં વિઝા માન્ય ન હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત, હજ યાત્રા માટેની એર ટિકિટ પણ આપવામાં આવી ન હતી. અનેક વખત સંપર્ક કરવા છતાં આરોપીઓ સંતોષકારક જવાબ આપતા ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
ફરિયાદ મુજબ, જ્યારે ફરિયાદીએ પોતાના રૂપિયા પરત માંગ્યા ત્યારે આરોપીઓએ ગાળો આપી, “પૈસા નહીં મળે, તમારાથી થાય તે કરી લેજો. ઓફિસે આવશો તો જીવતા પાછા નહીં જાઓ,” કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે પોલીસે પાંચ આરોપીઓ સામે છેતરપિંડી, વિશ્વાસઘાત અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top