Charotar

વડોદરા ‘આપ’ પ્રમુખનું સનસનીખેજ ષડયંત્ર: આઈબી અધિકારી બનીને પોતાના જ હરીફને ધમકાવ્યો

રાજકીય કિન્નાખોરીમાં ‘આપ’ના નેતાએ સાથી કાર્યકરને વડોદરાથી ભગાડવા રચ્યો હતો ખેલ
સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો, બેની ધરપકડ

આણંદ:
રાજકીય મહત્વકાંક્ષા અને આંતરિક જૂથબંધીમાં કેવી હદે કાવતરાં ઘડાઈ શકે છે, તેનો જીવતો જાગતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદ પોલીસે ઇન્ટેલિજન્સ બ્યુરોના નકલી અધિકારી બનીને ધમકી આપવાના ગંભીર ગુનામાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝા અને તેમના સાથીદારની ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ રાજકીય આલમમાં ભારે ચકચાર મચી ગઈ છે.


આણંદ પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, આમ આદમી પાર્ટી દ્વારા થોડા સમય પહેલા કેશવજી ચૌહાણ નામના કાર્યકરને પાર્ટીના કામ અર્થે વડોદરા મોકલવામાં આવ્યાં હતાં. કેશવજીને વડોદરા શહેર ‘આપ’ના પ્રમુખ અશોક ઓઝા પોતાના રાજકીય હરીફ માનતા હતા. કેશવજીના વધતા વર્ચસ્વથી ડરી ગયેલા અશોક ઓઝાએ તેમને વડોદરાથી ભગાડી મૂકવા માટે એક પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું.

આ કાવત્રા મુજબ, પોતાના હરીફને ડરાવવા માટે અશોક ઓઝાએ નીતિન મારફતે આઈબી અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી ફોન કરાવ્યો હતો. આ ડિજિટલ માધ્યમ દ્વારા આરોપીઓએ પોતે આઈબીના મોટા અધિકારી હોવાનો સ્વાંગ રચી કેશવજી ચૌહાણને ગંભીર ધમકીઓ આપી હતી. આ સમગ્ર વાતચીત સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો ગંભીર બન્યો હતો અને પોલીસ હરકતમાં આવી હતી. અરવિંદ કેજરીવાલે પણ આ બાબતે ટ્વીટ કર્યું હતું.

આમ, ડિજિટલ માધ્યમનો દુરુપયોગ કરી ખોટી ઓળખ ધારણ કરવા બદલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં અશોક ચંદ્રકાંતભાઇ ઓઝા (હાલ પ્રમુખ, વડોદરા શહેર આમ આદમી પાર્ટી) અને નીતિન ધીરૂભાઇ ડાંગરીયા (રહે. આણંદ, મૂળ જેતપુર)ની હાલ પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top