Vadodara

ડ્રેસ મોકલવાના બહાને TTE એ યુવતીને AC કોચમાં બોલાવી અશ્લીલ હરકત કરી

રેલવેના TTE સામે યુવતીની ફરિયાદ, વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધ્યો

માસીના પરિચિતનો વિશ્વાસ તૂટ્યો, આરોપી મોબાઇલ સ્વીચ ઓફ કરી ફરાર


(પ્રતિનિધિ) વડોદરા, તા.30

વડોદરામાં અભ્યાસ કરતી એક યુવતી સાથે ટ્રેનના ફર્સ્ટ એસી કોચમાં અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં કર્યાનો ગંભીર આરોપ રેલવેના TTE સામે નોંધાતા ચકચાર મચી ગઈ છે. યુવતીની ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના નાલાસોપારા ખાતે રહેતા સંજયકુમાર બાબુલાલ ઝીણા રેલવેમાં TTE તરીકે ફરજ બજાવે છે અને યુવતીના પરિવારજનો તેમજ તેની માસીના પરિચિત છે. યુવતીને પોતાની માસી માટે ડ્રેસ મોકલવાનો હોવાથી માસીએ સંજય ઝીણા મારફતે ડ્રેસ મોકલવાની સલાહ આપી હતી.

આરોપ મુજબ સંજય ઝીણાએ યુવતીને ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચ પાસે બોલાવી હતી. ડ્રેસ પહોંચાડવાના બહાને યુવતીને કોચની અંદર લઈ જઈ તેની સાથે અશ્લીલ હરકતો અને શારીરિક અડપલાં કર્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

ઘટનાથી આઘાતમાં આવેલી યુવતીએ મહારાષ્ટ્રમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ ઝીરો નંબરની ફરિયાદ વડોદરા રેલવે પોલીસને ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક માહિતી મુજબ આરોપી મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top