350થી વધુ કર્મચારીઓ આર્થિક સંકટમાં, લોનના હપ્તા અને બાળકોની ફી ભરવામાં મુશ્કેલી
નવી ટ્રેઝરી-પોર્ટલ સિસ્ટમ સામે રોષ, પાલિકાનો દાવો: ‘બે-ત્રણ દિવસમાં પગાર જમા થશે’
(પ્રતિનિધિ) વડોદરા, તા.30
વડોદરા મહાનગરપાલિકા હેઠળ કાર્યરત નેશનલ હેલ્થ મિશન (NHM)ના કર્મચારીઓ છેલ્લા બે મહિનાથી પગાર ન મળતા આર્થિક કટોકટીમાં મુકાયા છે. પગારની અનિયમિતતા સામે રોષ વ્યક્ત કરવા મોટી સંખ્યામાં કર્મચારીઓ આજે મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને તાત્કાલિક નિરાકરણની માંગ સાથે રજૂઆત કરી હતી.
કર્મચારીઓના જણાવ્યા મુજબ, છેલ્લા છથી સાત મહિનાથી પગાર ચુકવણીની પ્રક્રિયામાં સતત વિલંબ થઈ રહ્યો છે. નવી એચઆરએમએસ પોર્ટલ અને ટ્રેઝરી આધારિત ચુકવણી વ્યવસ્થા અમલમાં આવ્યા બાદ વહીવટી પ્રક્રિયા વધુ જટિલ બની છે. પરિણામે ગ્રાન્ટ અને પગારની ફાઇલો વિવિધ કચેરીઓમાં અટવાઈ રહી હોવાનું કર્મચારીઓનું કહેવું છે.
કર્મચારી પ્રતિનિધિ પ્રતીક શાહે જણાવ્યું હતું કે ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં હજુ સુધી પગાર જમા થયો નથી. આ સ્થિતિને કારણે કર્મચારીઓને બેંક લોનના હપ્તા, ઘરખર્ચ, બાળકોની સ્કૂલ ફી અને અન્ય જરૂરી ખર્ચ માટે ઉધાર લેવાની ફરજ પડી રહી છે.
બીજી તરફ આરોગ્ય અધિકારી મુકેશ વૈધે જણાવ્યું હતું કે નવી ટ્રેઝરી સિસ્ટમના પ્રારંભિક તબક્કાના કારણે વિલંબ થયો છે. તમામ બિલો ટ્રેઝરીમાં મોકલી દેવામાં આવ્યા છે અને આગામી બે-ત્રણ દિવસમાં બાકી રહેલા કર્મચારીઓના ખાતામાં પગાર જમા થઈ જશે.