National

ટીકા કરવી ગુનો નથી: અલ્હાબાદ હાઇકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો, રાહુલ ગાંધીને મળી મોટી રાહત

અલ્હાબાદ હાઇકોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગણી ફગાવી દીધી છે અને આ નિર્ણય સાથે લોકશાહી અને અભિવ્યક્તિની આઝાદી વિશે મહત્વપૂર્ણ વાતો કહી છે. અદાલતે સ્પષ્ટ કહ્યું કે લોકશાહીમાં સરકારની ટીકા કરવી ગુનો નથી, પરંતુ એક નાગરિકનો હક્ક છે. આ સાથે કોર્ટે એ પણ જણાવ્યું કે વિચારોની સ્વતંત્રતા લોકશાહીને જીવંત રાખવા માટે ખૂબ જ જરૂરી છે.

આ કેસની શરૂઆત રાહુલ ગાંધીના એક નિવેદનથી થઈ હતી. તેમણે 15 જાન્યુઆરી 2025ના રોજ પોતાના કાર્યકરોને સંબોધિત કરતા કહ્યું હતું કે કોંગ્રેસ હવે માત્ર ભાજપ અથવા RSS સામે જ નહીં, પરંતુ સમગ્ર ઇન્ડિયન સ્ટેટ સામે લડી રહી છે. આ નિવેદન બાદ હિન્દુ શક્તિ દળના સિમરન ગુપ્તાએ તેમના વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરી હતી. અરજીમાં કહેવાયું હતું કે રાહુલ ગાંધીનું આ નિવેદન દેશની અખંડિતતા અને સુરક્ષા માટે જોખમરૂપ છે અને તેને બળવા માટે પ્રેરણા માનવી જોઈએ. પરંતુ હાઇકોર્ટે આ દલીલોને માન્યતા આપી નહોતી. જસ્ટિસ વિક્રમ ડી. ચૌહાણે પોતાના ચુકાદામાં કહ્યું કે રાહુલ ગાંધી એક ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છે અને તેમને લોકોના મુદ્દાઓ ઉઠાવવાનો અને સરકારની ટીકા કરવાનો પૂરો અધિકાર છે. કોર્ટે નોંધ્યું કે અરજદાર કોઈ પણ એવું પુરાવું રજૂ કરી શક્યા નથી જે બતાવે કે રાહુલ ગાંધી દેશ વિરુદ્ધ બળવો ભડકાવવા માંગતા હતા અથવા સશસ્ત્ર વિદ્રોહ માટે ઉશ્કેરણી કરી રહ્યા હતા.

અદાલતે વધુમાં જણાવ્યું કે કોઈપણ રાજકીય નેતા પોતાની વિચારધારા અથવા વિરોધ વ્યક્ત કરે, તેને દેશદ્રોહ સાથે જોડવું યોગ્ય નથી. લોકશાહીમાં અલગ-અલગ વિચારો અને મતભેદ હોવું સામાન્ય બાબત છે. જો આ પ્રકારની ટીકા પર પ્રતિબંધ મુકવામાં આવે, તો તે લોકશાહી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હાઈકોર્ટે અભિવ્યક્તિની આઝાદી પર પણ ભાર મૂક્યો. કોર્ટે કહ્યું કે ભારતના બંધારણ હેઠળ દરેક નાગરિકને પોતાની વાત કહેવાનો અધિકાર છે. આ અધિકાર પર ત્યારે જ મર્યાદા મૂકી શકાય જ્યારે તે જાહેર સુરક્ષા અથવા કાયદો-વ્યવસ્થાને સીધો ખતરો ઉભો કરે. સામાન્ય રાજકીય નિવેદનને ગુનો ગણવું યોગ્ય નથી. આ ચુકાદા દ્વારા કોર્ટે એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે લોકશાહીમાં વિચારોની આપલે અને સરકારની ટીકા કરવી જરૂરી છે. જો લોકો પોતાની વાત ખુલ્લેઆમ નહીં કહી શકે, તો લોકશાહી મજબૂત રહી શકશે નહીં. આ રીતે અલ્હાબાદ હાઈકોર્ટનો આ નિર્ણય માત્ર રાહુલ ગાંધી માટે જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે મહત્વપૂર્ણ છે. તે બતાવે છે કે ન્યાયપાલિકા મૌલિક અધિકારોનું રક્ષણ કરવા માટે સતર્ક છે અને કોઈપણ વ્યક્તિને માત્ર તેના નિવેદન માટે ગુનેગાર ઠેરવી શકાય નહીં, જો સુધી તે કાયદા વિરુદ્ધ કોઈ ગંભીર કૃત્ય ન કરે.

Most Popular

To Top